(એજન્સી) કોલકાત્તા,તા.૭
અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવાનો ભાજપ પર આક્ષેપ કરતા પ.બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેમની સરકારે રાજ્યમાં સાંપ્રદાયિક સદ્‌ભાવના જાળવી રાખવા માટે શાંતિરક્ષક દળોની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આજે સાંજે રાજ્ય સચિવાલય ખાતે મમતા બેનરજીએ પત્રકારોને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો દુરુયોગ થઇ રહ્યો છે. ભાજપ સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવે છે.
ભાજપનો આ ટ્રેન્ડ છે, પક્ષની આ આધુનિક ડિઝાઇન છે. માટે જ અમે સામાન્ય લોકોને તાકિદ કરી રહ્યા છીએ. સરકારે રાજ્ય પ્રશાસન અને પોલીસની મદદ સાથે શાંતિ જાળવવા સ્થાનિક લોકોનું બનેલું એક શાંતિ રક્ષક દળ ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનરજીએ શાંતિ બાહિની નામનું શાંતિ રક્ષક દળ ઊભા કરવાના પોતાની સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી. ભાજપ સામે આંગળી ચિંધતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં કોમી તંગદિલી ભડકાવવાનું એક ષડયંત્ર હતું.
તેમણે જણાવ્યું હતું કે શાંતિ બાહિનીઓ પોતાના વિસ્તારમાં એખલાસને અવરોધી રહેલા તત્વો પર નજર રાખશે. તેમણે ઉમેર્યું હતું કે મંદિર અને મસ્જિદના સભ્યોની સમિતિને લીગમાં જોડાવા અનુરોધ કર્યો છે. ભાજપની આ આધુનિક ડિઝાઇન છે. ભાજપને રમખાણો ભડકાવવા માટે કોઇ પરવાનો નથી. તેમ છતાં તેઓ લોકોમાં નફરત ભડકાવવાનું કામ કરી રહ્યા છે.