(એજન્સી) લખનઉ, તા. ૩
અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન પર રામ મંદિરનું નિર્માણ કરવા માટે કાયદો લાવવાના વધી રહેલા વિવાદો વચ્ચે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું કે હિન્દુઓ આ દિવાળીએ રામ મંદિર અંગે ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળશે. પાંડેએ ચંદૌલીમાં શુક્રવારે પત્રકારોને જણાવ્યું કે ‘યોગી જી મુખ્યમંત્રીની સાથે સાથે બહુ મોટા સંત છે. નિશ્ચિતરૂપે તેમણે અયોધ્યા માટે યોજના બનાવી છે. દિવાલી આવવા દો, ખુશખબરી (સારા સમાચાર)ની પ્રતિક્ષા કરો… મુખ્યમંત્રીના હાથે એ યોજના સામે આવશે તો ઉચિત હશે.’ સુપ્રીમકોર્ટે ૨૯મી ઓક્ટોબરે અયોધ્યામાં જમીન વિવાદના મામલાની સુનાવણી જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે. સુપ્રીમકોર્ટનું આ પગલું કટ્ટરવાદી સંગઠનોને સારૂં લાગ્યું નથી. કટ્ટરવાદી સંગઠનો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોઇ રોકી શકે નહીં, તેની ખાતરી કરવા માટે વટહુકમ જારી કરવા માટે કેન્દ્રમાં શાસક કેસરિયા પક્ષની સરકાર પર દબાણ કરી રહ્યા છે. સુપ્રીમકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા યોગીએ જણાવ્યું કે ન્યાયમાં કોઇ પણ પ્રકારનો વિલંબ ક્યારેક અન્યાય બની જાય છે. આ બાબત દર્શાવે છે કે હિન્દુ શ્રદ્ધાળુઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. તેમણેે જણાવ્યું હતું કે અયોધ્યા રામજીનું જન્મ સ્થળ છે અને એક રાષ્ટ્રીય મહત્વનું યાત્રા કેન્દ્ર છે. દિવાળી ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ ધૂમધામથી ઉજવવામાં આવશે. એવી પણ અટકળો કરવામાં આવી રહી છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સર્યુ નદીના કાંઠે ૧૦૮ મીટર ઉંચી રામજીની પ્રતિમા બનાવવા માટે મંજૂરી આપી દીધી હોવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે યોગી વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં અયોધ્યાની મુલાકાત લેશે અને પ્રતિમા સ્થાપિત કરવા માટેના સંભવિત સ્થળો અંગે નિર્ણય લેશે.