ગાંધીનગર,તા.૯
રાજયની ૧૦ નગરપાલિકાઓની ૧પ બેઠકોની પેટાચૂંટણીમાંથી ૧૧ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કુલ ૧પ બેઠકોમાં ૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. ત્યારબાદ ૯ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ૬ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું હતું. જયારે ૩ બેઠકો પર કોંગ્રેસનો પંજો પડયો હતો. તો એક બેઠક પર અપક્ષનો વિજય થયો હતો. આ ચૂંટણીના પરિણામ અંગે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપનો વિજયરથ પેટાચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક, ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે. ભાજપના પ્રવકતા ભરત પંડયાએ વધુમાં ઉમેર્યું હતું કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’’ના મંત્રને પ્રજાએ સ્વીકાર્યો છે તેના પરિણામ સ્વરૂપે ભાજપ પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યુ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા પરાજય બાદ વિખેરાતી જાય છે.