(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૪
પાલનપુરમાં રાજ્ય કક્ષાના ધ્વજ વંદન સમારોહને પગલે એકબાજુ સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે અને રીનોવેશન સાથે વિકાસના કામો હાથ ધરી ફુલગુલાબી ચિત્ર રજૂ કરવા માટે તંત્ર અધુરૂ બન્યું છે. બીજીબાજુ શહેરના એંગોલા રોડ પર આવેલી ૩૦થી વધુ સોસાયટીઓ આજે પણ નર્કાગારમાં જીવી રહી છે. ત્યારે આ સોસાયટીઓના રહીશોએ ગંદકી દૂર નહીં થાય તો મુખ્યમંત્રીનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં જ સ્વચ્છતા અભિયાનના સરેઆમ લિરા ઉડી રહ્યા છે. પાલનપુર શહેરમાં આવેલી લોકમાતા લડબીનદીના વહેણમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે યોગ્ય નિકાલના અભાવે શહેરના એંગોલા રોડ પર આવેલી ૩૦થી વધુ સોસાયટીઓમાં આ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. જેને પગલે મચ્છરોના ઉપદ્રવ સાથે માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે. જેને કારણે લોકો માંદગીના બિછાને પટકાઈ રહ્યા છે. છતાં તંત્રના પેટનું પાણીયે હલતું નથી. છેલ્લા ૧૫ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક રહીશોની ધીરજ હવે ખૂટી રહી છે. જેથી તેઓ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી તરફ મીટ માંડીને બેઠા હોવાનું કમલેશ મહેતાએ જણાવ્યું હતું.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા રૂા.૧૩૭ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકાઈ છે. પરંતુ આ યોજના આ વિસ્તારના રહીશો માટે તો શિરદર્દ સમી પૂરવાર થઇ રહી છે. સતત રોગચાળાના ઓછાયા તળે જીવતા લોકોએ સ્થાનિક નગરસેવકો સહિત તંત્રને વારંવાર રજૂઆતો કરી છે. પણ કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે કંટાળેલા રહીશોએ મુખ્યમંત્રીના આગમન ટાણે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરવાની ચીમકી ઉચ્ચારી છે અને છતાં પણ ન્યાય નહીં મળે તો હિજરત કરવા પણ મજબુર બનશે તેવું ગણેશ યુવક મંડળના પ્રમુખ વિજયભાઈ પુરોહિતએ જણાવ્યું હતું.