(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૪
જામનગરના લાખાબાવળમાં આવેલા સેવન સિઝન રિસોર્ટ એન્ડ સ્પા સામે જિલ્લા પંચાયતના પ્રમુખે જમીનમાં દબાણ કરી રિસોર્ટ ઊભું કરવામાં આવ્યું હોવાની વાહિયાત આક્ષેપોવાળી અરજીઓ કરવાની સાથે સ્પામાં અનૈતિક કાર્ય થતાં હોવાની વિગતો અખબારમાં પ્રસિદ્ધ કરાવતા રિસોર્ટના સંચાલકે જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી તેઓને બ્લેકમેઈલ કરવા માટે આ કૃત્ય કરાતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ નજીકના સેવન-સિઝન રિસોર્ટ સામે ગયા અઠવાડિયે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મુળજી વાઘેલાએ પોતાના લેટરપેઈડ પર અત્યંત ખોટા આક્ષેપોવાળી અરજી રજૂ કરી હતી જેમાં એક્યુટી ઈન્ડિયા રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડના ઉપરોક્ત રિસોર્ટ અને સ્પામાં જમીનમાં દબાણ કરવા ઉપરાંતની ખોટી વિગતો જુદા-જુદા ડિપાર્ટમેન્ટમાં રજૂઆતના સ્વરૂપે આપવામાં આવી હતી. ઉપરોક્ત બાબત અંગે સેવન સિઝન રિસોર્ટના સંચાલક ઉપેન્દ્ર અંથવાલે જામનગરના જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળને અરજી પાઠવી તેમાં જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતના પ્રમુખ મુળજી વાઘેલા અને તેનો પુત્ર અનિલ વાઘેલા પરોક્ષ રીતે ધમકી આપી બ્લેકમેઈલ કરી રહ્યા છે. ઉપરોકત પિતા-પુત્ર પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે પ્રેશર લાવવાનો પ્રયત્ન કરી તેઓ જે કહે તેમ કરવા માટે મજબૂર કરતા હોવાની એસપીને રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત તેઓ દલિત સમાજના હોય, કાયદાનો તે રીતે ઉપયોગ કરી સેવન સિઝન રિસોર્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ, ભાગીદારોને નુકસાની પ્રસરાવી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. પોતાની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની સત્તાનો ઉપયોગ કરી પ્રજાકીય કામ કરવાના બદલે પ્રમુખ લેટર હેડનો દૂરઉપયોગ કરી વેપારીને હેરાન કરવાની પ્રવૃત્તિ કરતા હોવા ઉપરાંત તેઓની માગણીને તાબે થઈ સમાધાન રૃપે મોટી રકમ આપી દઈએ તેવા ઈરાદાથી અરજીઓ કરાતી હોવાનું ઉપેન્દ્ર અંથવાલે અરજીમાં ઉમેર્યું છે.