(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, ક્યાંક નોટબંધી કાળા નાણા ધરાવતા લોકોના નાણા પાછલા બારણેથી સફેદ કરવાનો કારસો તો નહોતો ને, તેમની ટીપ્પણી આરબીઆઇના રિપોર્ટ બાદ આવી છે જેમાં કહેવાયું છે કે, મોટાભાગનું ચલણ પ્રવાહમાં પરત ફર્યું છે.નવેમ્બર ૨૦૧૬માં મોટા પ્રમાણમાં નોટબંધી કરવા બદલ સરકારના ઘોર ટીકાકાર રહેલા મમતા બેનરજીએ કહ્યું કે, નોટબંધી પર ટીએમસીના ભયને આરબીઆઇના રિપોર્ટે સિદ્ધ છે. ફેસબૂક પોસ્ટ પર તેમણે લખ્યું હતું કે, હવે તેઓ જાણવા માગે છે કે કાળુ નાણું ક્યાં ગયું ? ફેસબૂક પોસ્ટ પર તેમણે કહ્યું કે, આરબીઆઇના રિપોર્ટે અમારી દહેશતને સિદ્ધ કરી છે. બેંકિંગ સિસ્ટમમાં ૯૯.૩ ટકા નાણું પરત ફર્યું છે. મારો પ્રથમ પ્રશ્ન એ છે કે, કાળું નાણું ક્યાં ગયું ? મારો બીજો પ્રશ્ન છે કે, શું આ કેટલાક કાળા નાણાધારકો માટે તેમના નાણા સફેદ કરવા માટેની યોજના લવાઇ હતી ? મોેદીએ જ્યારે નોટબંધી જાહેર કરી તે સમયે તરત મમતાએ કહ્યું હતું કે, આ લોકોવિરોધી મોટું અભિયાન છે.