જોહાનિસબર્ગ,તા.૮
દક્ષિણ આફ્રિકાના એક બ્લાઈન્ડ ક્રિકેટરે એવી કમાલ કરી બતાવી છે જેનો વિચાર કરવો પણ મુશ્કેલ છે. ફ્રેડરિક બોએરે ટી-૨૦ ક્રિકેટમાં ૭૮ બોલમાં ૨૦૫ રનની ઈનિંગ રમી સૌને ચોંકાવી દીધા હતા.
ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત ગણવામાં આવે છે તેથી તેમાં કંઈ પણ થઈ શકે છે. આવું જ કંઈક દક્ષિણ આફ્રિકાના બ્લાઈન્ડ ક્રિકેટ સાઉથ આફ્રિકા નેશનલ ટૂનાર્મેન્ટમાં જોવા મળ્યું હતું. ફ્રેડરિક બોએરે તાજેતરમાં જ ટી-૨૦ ક્રિકેટમાં ઐતિહાસિક ઈનિંગ રમી હતી. બોએરે બોલેન્ડ તરફથી રમતાં ૭૮ બોલમાં ૨૦૫ રન ફટકાર્યા હતાં.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટસમેન ટી-૨૦ ક્રિકેટમાં ડબલ સદી બનાવી શક્યો નથી. બોએરે ૨૬૩ના સ્ટ્રાઈક રેટથી આ દમદાર ઈનિંગ રમી હતી. ૨ ઓક્ટોબરે રમાયેલા મેચમાં બોએરે ઈનિંગ દરમિયાન ૩૯ ચોગ્ગા અને ૪ છગ્ગા લગાવ્યા હતા. આ પ્રકારે તેણે પોતાની ઈનિંગના ૧૮૦ રન તો ચોગ્ગા-છગ્ગાથી જ બનાવી લીધા હતાં.
બોલેન્ડે ૨૦ ઓવરમાં ૩૧૯ રન બનાવ્યા હતા જેના જવાબમાં ફ્રી સ્ટેટની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૫૫ રન જ બનાવી શકી હતી.