(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત જિલ્લા કલેક્ટરના ચૂંટણી વિભાગ દ્વારા અવાર નવાર મતદાર યાદી સુધારણા માટે કાર્યક્રમો યોજવામાં આવતા હોવા છતાં કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને હેડ-ઓક કર્મચારીઓ બી.એલ.ઓ. (બ્લોક લેવલ ઓફિસર) દ્વારા સુધારા યાદી આપવામાં આવતી હોવા છતાં પણ તેમાં કોઇ સુધારા ન થતાં હોવાની મોટા ઉપાડે ફરિયાદ થઇ હતી.આ ફરિયાદ ખુદ બી.એલ.ઓ. દ્વારા ગત તા.પમી ડિસેમ્બરના રોજ શહેરના અઠવાગેટ ખાતેની ગલ્સ પોલિટેકિનક ખાતે યોજાયેલી તાલીમ દરમિયાન થઇ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાનાર છે. આ માટે સુરત શહેર જિલ્લામાં પાછલા ઘણા લાંબા સમયથી સમયાંતરે મતદાર યાદી સુધારણા કામગીરી થતી હતી. સુરત જિલ્લા કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગ દ્વારા બી.એલ.ઓ. પાસેથી આ કામગીરી કરાવવામાં આવતી હતી. ગત તા.પમી ડિસેમ્બરના રોજ શહેરના અઠવાગેટ વિસ્તારની ગલ્સ પોલિટેકિનક ખાતે બી.એલ.ઓ.ની એક મિટીંગનું આયોજન થયું હતું. આ મિટીંગમાં મતદાર યાદી સુધારણા નિરીક્ષક અધિકારી સમક્ષ બી.એલ.ઓ.એ પોતાની વ્યથા ઉગ્ર રીતે ઠાલવતા જણાવ્યું હતું કે, અમે અવાર – નવાર મતદાર યાદી સુધારી આપને આપતા હોવા છતાં પણ આપ દ્વારા મતદાર યાદીમાં કોઇ પ્રકારની સુધારણા કરવામાં આવતી જ નથી. ઉપરથી જે સુધારાઓ આપ્યા હોય છે તે પણ ખોટી રીતે નોંધ થઇને મતદાર યાદીમાં આવે છે. જેને પગલે મતદાર યાદી સુધારણા નિરીક્ષક અધિકારી શોભજનક સ્થિતિમાં મુકાય જવા પામ્યા હતા. કેટલાક બી.એલ.ઓ. પાસેથી મળતી વિગતો મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તેમને જે લોકો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરી ગયા હોય તેની વિગતો જિલ્લા કલેક્ટર કચેરીને આપી હતી. ઉપરાંત જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમના નામો આ યાદીમાંથી કમી કરવાના ફોર્મો ભરી આપ્યા હતા. ઉપરાંત કેટલાક લોકોના નામોમાં અને સરનામાઓમાં ફેરફાર હતા તો તેની વિગતો ભરેલા ફોર્મો પણ અમે તેમને આપ્યા હતા. આમ છતાં આમા કોઇ ખાસ સુધારા વધારા થયા ન હતા. ઉલટાનું તેમાં વધુ ભુલો થઇને આવી છે. જે બાબત જિલ્લા કલેક્ટરે ધ્યાને લેવી જરુરી હોવાનું જાણવા મળે છે.