(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સુરત શહેરના સરથાણા તક્ષશીલા આર્કેડ પાસે બુધવારે અગિન્કાંડમાં હોમાઇ ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ બ્લડ કેમ્પ દરમ્યાન ૧૨૫ જેટલી બ્લડની બોટલો એકત્ર કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા તક્ષશીલા આર્કેડમાં દોઢ મહિના પહેલાં ભિષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ૨૨ માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાઈ ગયા હતા અને ૧૫થી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાઇ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ દાખલ કરી જવાબદાર અધિકારીઓને પકડી પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી છે. તે દરમ્યાન મૃતકોને ન્યાય અપાવવા માટે સામાજિક સંસ્થાઓ અને મૃતકોના પરિવારો અવાર-નવાર ધરણાં કરી પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપ્યા છે. બુધવારે ફરીથી મૃતક અને ઘવાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ તક્ષશીલા આર્કેડ પાસે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં વાલીઓ દ્વારા કરાયેલા બ્લડ કેમ્પમાં ૧૨૫થી વધુ બોટલ એકત્ર કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.