(સંવાદદાતા દ્વારા) પાટણ/નડિયાદ, તા.૧૧
ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાની સ્ટાઈલમાં પાટણ અને નડિયાદ ખાતે સભાઓ સંબોધી કોંગ્રેસને ભીંસમાં લેવા પ્રયત્ન કર્યો હતો. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના એક કલાક બાદ જ કોંગ્રેસ ઈવીએમમાં ચેડા અને બ્લુ ટુથથી મતો ભાજપમાં સ્વીંગ થતા હોવાની બુમાબુમ મચાવી દીધી હતી. પરંતુ ગુજરાતમાં હાર નજર સમક્ષ દેખાતા કોંગ્રેસવાળા બ્લુ ટુથની વાત કરી બ્લ્યુ વ્હેલ ગેમમાં ફસાયા છે અને ગુજરાતમાં આ તેનો આખરી એપિસોડ હોવાના શાબ્દિક પ્રહારો આજે પાટણમાં ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર અને શક્તિ આપી છે તેને એળે નહીં જવા દઉ. મારા શરીરનો કણ-કણ અને ક્ષણ ક્ષણ સવાસો કરોડ દેશવાસીઓની સેવામાં સમર્પિત કરીશ. જ્યારે ખેડા જિલ્લાની છ વિધાનસભાની બેઠક પર ઉભેલા ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નડિયાદ ખાતે આવી ચઢ્યા હતા. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક જમાનો હતો નડિયાદમાં સંતરામ મંદિરના ચોગાનમાં સભા કરીએ તો જબરજસ્ત સભા ગણાતી હતી. આજે ચોક નાનો પડ્યો એટલે આ વિશાળ મેદાન પસંદ કર્યુ. તેમણે આ ચૂંટણીમાં ભાજપનો જુવાળ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની પ્રજાએ દિકરો માની મારૂ સ્વાગત કર્યું છે જે બદલ હું પ્રજાનો ઋણી છું તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની સમસ્યાઓનું સમાધાન વિકાસ વગર શક્ય નથી. તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર ઉમેર્યું હતું કે લોકોને વિકાસ સામે વાંધો છે. આ કોંગ્રેસવાળા ભાષણ કરે છે કે હોસ્પિટલ નથી, રોડ નથી, શાળા નથી. શું મે તેમણે બનાવેલી શાળાને તાળા માર્યા છે મે તેમણે બનાવેલી હોસ્પિટલ બંધ કરી છે ?? દિલ્હીમાં તળિયા ઝાટક કરીને કોંગ્રેસ ગઈ હતી તેમને સગા-સંબંધી છે મારે તો પ્રજા સિવાય બીજું કોઈ નથી. કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવે છે તમે જેટલું કીચડ ઉછાળશો તેટલું કમળ વધુ ખીલશે. મોદી પાંચ ઉદ્યોગપતિઓ માટે કામ નથી કરતા છતાં કોંગ્રેસ આક્ષેપો કરે છે.