(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
૧૭ વર્ષીય રશિયન સગીરાને બ્લૂ વ્હેલ ચેલેન્જની માસ્ટર માઇન્ડ ગણવામાં આવી રહી છે. જેના પર બ્લૂ વ્હેલ ગેમ રમતા લોકોને તેમ કહીને ડરાવવાનો આરોપ છે કે જો ટાસ્ક પૂરો ન કર્યો તો તને અથા તારા પરિવારને જાનથી મારી નાખીશ. એક ૧૭ વર્ષીય રશિયન સગીરાની કથિતરૂપે ઘાતક બ્લૂ વ્હેલ ચેલેન્જની પાછળના માસ્ટર માઇન્ડ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે, જેણે ખેલાડીઓને આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કર્યા. બ્લૂ વ્હેલ ચેલેન્જ તેવા લોકોને નિશાન બનાવે છે જે નિરાશ હોય છે અને તેમને એક રોમાંચક ગેમમાં આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ ગેમમાં ખેલાડીને ૫૦ દિવસો માટે ટાસ્ક આપવામાં આવે છે, જેમાં પોતાની જાતને નુકસાન પહોંચાડવું, એકલા હોરર ફિલ્મ જોવી, પોતાના હાથ પર વ્હેલનું ચિત્ર ઉપસાવવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ૫૦મા દિવસે તેમને છેલ્લા ટાસ્કમાં ખેલાડીને આત્મહત્યા કરવાનું કહેવામાં આવે છે. આ ચેલેન્જ દરમિયાન વિશ્વમાં આશરે ૧૩૦ લોકોએ આત્મહત્યા કરી છે. રશિયાની પોલીસે પૂર્વોત્તર રશિયામાં કિશોરીના ઘરે દરોડા પાડ્યા. તે વખતે મળી આવેલા ફૂટેજમાં તેમને એક રશિયાના મનોવિજ્ઞાનના વિદ્યાર્થી ફિલિપ બુદેઇકીનની તસવીરો મળી, જેણે સ્વીકાર્યું કે આ ચેલેન્જના આવિષ્કારમાં સામેલ હતો. બુદેઇકિનને ૩ વર્ષની સજા સંભળાવવામાં આવી છે, તે રશિયાની એક જેલમાં પોતાની સજા કાપી રહ્યો છે. રશિયાની પોલીસે જણાવ્યું કે ૧૭ વર્ષીય સગીરાએ શરૂઆતમાં આ ગેમ રમી હતી પરંતુ તેણે આત્મહત્યા કરવાનો ટાસ્ક પૂરો ન કર્યો. તેના બદલે તે સાઇટ પર એડમિનીસ્ટ્રેટિવ બની ગઇ, જ્યાં તેણે ટાસ્ક પૂરો કરવા માટે અન્ય લોકોને ઉશ્કેર્યા.