(એજન્સી) મદુરાઈ, તા.૩૧
તમિલનાડુના મદુરાઈમાં પણ આપઘાતી ગેમ બ્લૂ વ્હેલે વધુ એકનો ભોગ લીધો છે. અહિં કોલેજના વિદ્યાર્થી વિગ્નેશે બ્લૂ વ્હેલને રમીન પોતાના ઘરમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. ૧૯ વર્ષીય વિગ્નેશને તેના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો જેના હાથ પર બ્લૂ વ્હેલનું નિશાન જોઈને પરિવારજનોને હોશ ઉડી ગયાં હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મદુરાઈના થિરૂૃૃમંગલમમાં રહેનાર વિગ્નેશે પોતાના ઘરમાં બુધવારની સાંજે ૪.૧૫ કલાકે ફાંસીએ લટકતો જોવા મળ્યો હતો. તેના પરિજનોએ જોયું કે વિગ્નેશના ડાબા હાથમાં બ્લેડ બ્લૂ વ્હેલ લખેલું હતું. આ જોઈને તરત જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શબને કબજામાં લીધું હતું. પોલીસે કહ્યું કે વિગ્નેશના ઘેરથી એક નોટ મળી છે જેમાં મૃતકે એવું લખ્યું હતું કે બ્લૂ વ્હેલ એક ગેમ નથી પરંતુ ખતરો છે. એક વાર તમે જ્યારે તેમાં દાખલ થાવ પછી તેમાંથી બહાર નીકળી શકાતું નથી.
આ નોટ જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. મૃતકના મિત્રોએ કહ્યું કે વિગ્નેશે બ્લૂ વ્હેલના ૫૦ ખતરનાક કામો પૂરી લીધા હતા અને અંતમાં તેને આપઘાત કરવાનું કહેવામાં આવતાં તેણે આપઘાત કર્યો હતો. તે પચાસ દિવસથી ગેમ રમી રહ્યો હતો. તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ હતાશ હતો અને એકલો એકલો રહેવા લાગ્યો હતો. આ પહેલા યુપીના હમીરપુર જિલ્લામાં પણ ૧૩ વર્ષીય એક છોકરાએ તેના ઘરમાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. તે પણ મોબાઈલમાં આ ગેમ રમી રહ્યો હતો. પોલીસે કહ્યું હતું કે મૃતક તેના પિતાના મોબાઈલ પર બ્લૂ વ્હેલ રમી રહ્યો હતો. અંતિમ ચેલન્જમાં તેને આપઘાત કરવાનું કહેવામાં આવતાં તેણે આપઘાત કરી લીધો હતો.