અમદાવાદ, તા.પ
સમગ્ર દેશ સહિત રાજ્યમાં પણ નિર્દોષ નાગરિકોના જીવ લેનારી રશિયાની ખતરનાક અને જીવલેણ બ્લ્યુ વ્હેલ ગેમને પ્રતિબંધિત કરવા આખરે ગુજરાત સરકારે કમર કસી છે. આ ગેમ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવા અંગે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાત સરકારે રાજ્યના બાળકો અને યુવાનોના હિત માટે ફરી એક વખત નિર્ણાયકતા દાખવી છે. મુખ્યમંત્રીએ રાજ્યના બાળકો-યુવાનોને બ્લ્યુ વ્હેલ ગેમનો ભોગ બનવા નહીં દેવાય તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને આ ગેમ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવાની પ્રતિબદ્ધતા સંદર્ભે ગૃહવિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બ્લ્યુ વ્હેલ ચેલેન્જ ગેમના ઉપયોગને કારણે યુવાનોમાં આત્મહત્યાના બનાવો ધ્યાને આવ્યા છે. જેને રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ બ્લ્યુ વ્હેલ ગેમનો ઉપયોગ તથા તેમાં મદદગારી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે અને આ અંગે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો કરવા વિવિધ વિભાગોને જાણ પણ કરી છે. આ ગેમનો બાળકો-યુવાનો ભોગ બને નહીં તે માટે તકેદારી રાખવા તમામ શાળાના આચાર્યોને જાણ કરવામાં આવી છે. એટલું જ નહીં બ્લ્યુ વ્હેલ ગેમના કારણે યુવાઓ પર થતી અસર અંગે લોકોમાં જાગૃતિ કેળવવા તમામ આવશ્યક પગલાં લેવા પણ વિનંતી કરાઈ છે.
રાજ્ય સરકારે બ્લ્યુ વ્હેલ ગેમથી યુવાઓ અને બાળકો દૂર રહે તે માટે સ્થાનિક સ્કૂલોમાં વાલીઓ સાથે વહીવટીતંત્ર દ્વારા બેઠકો યોજવામાં આવે અને બાળકો તથા યુવાનો આ દૂષણનો ભોગ બને નહીં તે માટે ખાસ કાળજી રાખવા તમામ પ્રયત્નો કરવા વિવિધ વિભાગોને પણ જણાવાયું છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલય દ્વારા તમામ સર્વિસ પ્રોવાઈડરોને તેમના પ્લેટફોર્મ પરથી આ ગેમને દૂર કરવા વિનંતી પણ કરાઈ છે. આ ખતરનાક ગેમ મામલે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ બ્લ્યુ વ્હેલ ગેમ પર ટૂંક સમયમાં જ પ્રતિબંધિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું. નાગરિકોના હિતમાં જરૂર પડયે રાજય સરકાર વટહુકમ લાવીને પણ આ બ્લ્યુ વ્હેલ ગેમ બંધ કરાવશે.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, થોડા દિવસ પહેલાં જ પાલનપુરના માલુણા ગામના વતની એવા એક યુવકે અમદાવાદમાં બ્લ્યુ વ્હેલ ગેમના કારણે સાબરમતી નદી પરથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી અને આ બનાવને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારી આ બ્લ્યુ વ્હેલ પર પ્રતિબંધ મૂકવાની માંગણી પ્રબળ બની હતી.