(એજન્સી) હૈદરાબાદ, તા.૬
તમિલનાડુના કરાઈકલ જિલ્લામાં ઘાતક બ્લૂ વ્હેલ ગેમના સકંજામાંથી સમયસર બચાવી લેવામાં આવેલ ૨૨ વર્ષીય યુવકે પોતાના ભયાવહ અનુભવ વિશે જણાવ્યું હતું. તેમજ યુવાનોને આ ગેમ ન રમવા પણ અપીલ કરી હતી. નેરાવીના નિવાસી એલેકઝાન્ડરને ગઈકાલે પોલીસે બચાવી લીધો હતો. તેણે મીડિયા સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, તેના સહકર્મીઓએ બનાવેલા ગ્રુપમાં બે અઠવાડિયા પહેલાં આ ગેમ અંગેની લિન્ક મળી હતી. તે સમયે તે રજાઓ ગાળવા નેરાવી ગયો હતો. તેણે લિન્ક પરથી ગેમ રમવાનું શરૂ કર્યું હતું. આ ગેમ રમવાનું શરૂ કરતાં જ તે પરત ચેન્નઈ જઈ શક્યો ન હતો. તેણે આ ગેમ તથા એપને ડાઉનલોડ ન કરવાનું કહેતાં જણાવ્યું કે, આ લિન્ક એવી છે જેને બ્લૂ વ્હેલનો એડમિન ગેમ રમનાર લોકો મુજબ બનાવે છે. એડમિન જે ટાસ્ક આપે છે તેને દરરોજ રાત્રે બે વાગ્યા પછી પૂર્ણ કરવાનો હોય છે. પહેલાં તેણે તેના વિશેની તમામ જાણકારી અને તસવીરો રજૂ પોસ્ટ કરવા કહ્યું હતું. બાદમાં બધી માહિતી એકત્રિત કરી એડમિને થોડા દિવસ બાદ એલેક્ઝાન્ડરને અડધી રાત્રે કબ્રસ્તાનમાં જવા કહ્યું હતું અને ત્યાં જઈ સેલ્ફી લઈ ઓનલાઈન પોસ્ટ કરવા કહ્યું હતું. એલેક્ઝાન્ડરે આ ટાસ્ક પૂર્ણ કર્યો હતો. તેણે આગળ કહ્યું હતું કે, તેને રોજ ભયાનક ફિલ્મો બતાવવામાં આવતી હતી. જેથી તેનામાંથી પીડિતોનો ડર દૂર કરી શકાય. એલેક્ઝાન્ડરે જણાવ્યું કે, જેમ જેમ ગેમ રમતો ગયો તેમ તેમ તે લોકો સાથે વાત કરતાં ખચકાતો હતો અને પોતાને એક રૂમમાં બંધ કરી લીધો હતો. જો કે તેણે ગેમ રમવાનું બંધ કરી દેવું જોઈતંુ હતું. પરંતુ તે એમ કરી શક્યો નહીં. તેના ભાઈ અજીતનું ધ્યાન તેના વ્યવહારમાં આવેલા ફેરફારો પર જતાં તેને શંકા થઈ હતી. તેણે આ અંગે પોલીસને જણાવતાં પોલીસે મંગળવારે સવારના ચાર વાગ્યે એલેકઝાન્ડરના ઘરે પહોંચી હતી. તે સમયે એલેક્ઝાન્ડર પોતાના ખભા પર ચપ્પુ વડે માછલીની છબી કોતરી રહ્યો હતો. જો કે પોલીસે તેને સમયસર બચાવી લીધો હતો. એલેક્ઝાન્ડરનું કાઉન્સિલિંગ કરાવ્યા બાદ તેની હાલત સ્થિર છે. તેણે યુવાનોને આ ગેમ ન રમવાની અપીલ કરતાં ચેતવ્યા હતા કે, આ વાસ્તવમાં મોતની જાળ છે. તે અત્યંત પીડાદાયક અનુભવ છે.