(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૭
છેલ્લા કેટલાક સમયથી બાળકો અને યુવાઓમાં બ્લુ વ્હેલ ગેમનું બરોબરનું ઘેલું લાગ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે અને આ ગેમની પરાકાષ્ઠા રૂપે ઘાતક હરકતો કરવાના અને આત્મહત્યા કરવા સુધીના બનાવો બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આ સંદર્ભેનો એક આત્મહત્યાનો બનાવ બની જતાં ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. સરકારે આ ચર્ચાસ્પદ બ્લુ વ્હેલ ગેમ ઉપર પ્રતિબંધ લાદવાના આદેશો જારી કરી તે અંગેનું કાયદેસર જાહેરનામું પણ બહાર પાડી આ ગેમથી યુવાઓને બચાવવાના વિવિધ પગલા લેવાના શરૂ કર્યા છે. આ ગેમ સંબંધિત જાણકારી આપનારને રૂા. ૧ લાખનું ઈનામ આપવાની જાહેરાત સાથે જનજાગૃતિ કેળવવા ઉપરાંત હેલ્પલાઈન પણ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા યુવાઓ અને બાળકો બ્લુ વ્હેલ ગેમનો ભોગ ન બને તે માટે તમામ પ્રકારની તકેદારી રાખવા હેલ્પલાઈન નંબર ૧૦૯૮ શરૂ કરાઈ છે. જેનો સંપર્ક સાધવાથી માહિતી મળી શકશે. રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તે સંદર્ભે પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા જો બાળક બ્લુ વ્હેલ ગેમથી રમી રહ્યો છે. તેવું જણાય તો વાલીઓએ શું કરવું તે માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવેલ છે. તેમજ સાયબર હેલ્પલાઈન નંબર ૦૭૯-૨૨૮૬૧૯૧૭ શરૂ કરાયો છે. આ અંગે ક્યુરેટરની માહિતી આપવામાં આવશે તો જાણ કરનારનું નામ ગુપ્ત રાખીને તેને પોલીસ દ્વારા રૂા. ૧ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
મંત્રીએ ઉમેર્યું હતું કે બ્લુ વ્હેલ ગેમ કોઈ એક સર્વિસ પ્રોવાઈડર દ્વારા પૂરી પાડવામાં આવતી નથી. બ્લુ વ્હેલ ગેમ સંબંધમાં મળેલ પ્રાથમિક માહિતી અનુસાર આ ગેમ ઉપયોગ કરનાર વ્યક્તિએ આઈપી લીંક મારફત ડાઉનલોડ કરવાની રહે છે. તે અંગેના આઈપી/લિન્ક સતત બદલાતી રહે છે. આ ગેમનો ઉપયોગ કરનારે ગેમના એડમિનિસ્ટ્રેટર/ક્યુરેટર દ્વારા આપવામાં આવતા વિવિધ ટાસ્ક નિયત સમયમાં પૂરા કરવાના રહે છે. આ ગેમ રમનાર વ્યક્તિ માનસિક રીતે એડમિનિસ્ટ્રેટર/ક્યુરેટરને એટલો બધો વશ થઈ જાય છે કે આખરે તે તેને મળેલ સૂચના મુજબ આત્મહત્યા કરી લે છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટરને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે બ્લુ વ્હેલ ગેમનો ઉપયોગ કે તેમાં મદદગારી બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર બ્લુ વ્હેલ ગેમને રોકવા પૂરો પ્રયત્ન કરી રહી છે. જેથી યુવા આ ગેમ ના રમે અને કોઈ દુર્ઘટનાથી બચી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ બનાસકાંઠાના એક યુવકે આ બ્લુ વ્હેલ ગેમનો અંતિમ ટાસ્ક પૂરો કરવા માટે પાણીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. દુનિયાભરમાં ૧૩૦થી વધુ યુવાનો આ બ્લુ વ્હેલ ગેમના શિકાર બન્યા છે.