(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
રાજ્યમાં કોઇપણ હોટલ કે રેસ્ટોરન્ટ પોતાના રસોડાની બહાર નો એડમીશન વિધાઉટ પરમીશન કે નો એન્ટ્રીના બોર્ડ લગાવી શકશે નહીં તેવો પરિપત્ર કરાયો હોવાના બાદ પાલિકાના આરોગ્ય વિભાગે આ મામલે ૭૦ જેટલી હોટલોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં સાત હોટલોમાંથી આવું બોર્ડ મળી આવતા તેને દુર કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ ડ્રાઇવ જારી રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. રાજ્યમાં કોઇપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં કેવા પ્રકારનો ખોરાક બને છે તેની ગુણવત્તા કેવી છે વગેરે બાબતો જાણવાનો ગ્રાહકને હક છે. કેટલીક હોટલો ભોજન લેવા આવેલા ગ્રાહકને પોતાના રસોડામાં પ્રવેશવા દેતા નથી અને રસોડાની બહાર નો એડમીશન વિધાઉટ પરમીશન અથવા નો એન્ટ્રીના બોર્ડ લગાવી દે છે. આની સામે રાજ્ય સરકારે એક પરિપત્ર જારી કરી તમામ હોટલોના રસોડાના દરવાજા પર લગાવેલા આવા બોર્ડ હટાવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ આ મામલે તમામ પાલિકાને તપાસ કરી જે હોટલ કે રેસ્ટોરન્ટમાંથી આવા બોર્ડ મળી આવે તે તાત્કાલીક દુર કરવાની સુચના આપી હતી. જેને પગલે પાલિકાએ છેલ્લાં ૩ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ હોટલ અને રેસ્ટોરન્ટમાં ડ્રાઇવ યોજી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ૭૦ જેટલી હોટલો – રેસ્ટોરન્ટમાં તપાસ કરતા સાત જગ્યાએથી આવા બોર્ડ મળી આવ્યા હતા. જેને દુર કરવામાં આવ્યા હતા. પાલિકાના અધિક અમલદાર ડો.મુકેશ વૈદ્યે જણાવ્યું હતું કે, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે આ મામલે શહેરના ફતેગંજ, કારેલીબાગ, આજવા રોડ, સયાજીગંજ વિસ્તારમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટ-હોટલોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. પાલિકા આગામી દિવસોમાં આ મામલે તપાસનો દોર જારી રાખશે સાથો સાથે વડોદરા શહેર એસોસીએશનને એક લેખીત સુચના પાલિકા તરફથી આપવામાં આવી છે અને આવા બોર્ડ તાત્કાલીક દુર કરવા જણાવાયું છે. જો તેમ છતાં આવા બોર્ડ મળશે તો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ ના નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.