બોડેલી,તા.ર
બોડેલીના લઢોદ ગામે સરદાર સુગરમાં ૧૦ વર્ષથી સાત તાલુકાના ૧૮૦૦ ખેડૂતોના શેરડીના ૧ર કરોડ રૂપિયા બાકી નીકળતા સરકાર ના ચૂકવતા ખેડૂત હિતરક્ષક સમિતિએ આજ રોજ બોડેલી બજાર સમિતિ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ બેસી નાણાં જલ્દી મળે તેવી ઉગ્ર માંગ કરી હતી.
ર૦૦૮-૦૯માં બોડેલી તાલુકાના લઢોદ ગામે આવેલ સરદાર સુગરનો વહીવટ સરકાર નિયુક્ત બોર્ડ દ્વારા કરવામાં આવતો હતો. જે તે સમયે થયેલ કૌભાંડને લઈ સુગર મિલમાં ૧૭ તાલુકાના શેરડીની ખેતી કરતા ૧૮૦૦ ખેડૂતોના ૧ર કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા. સરકાર પાસેથી ફસાયેલા નાણાં મેળવવા ખેડૂત હિતરક્ષક સમિતિએ ર૦૦૯માં મુખ્યમંત્રી ઓનલાઈન કાર્યક્રમમાં નાણાં માટે રજૂઆત કરી હતી. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખેડૂતોના નાણાં સરકાર ચૂકવવા જવાબદાર છે તેમ સમિતિને જણાવ્યું હતું. ત્યારબાદ આજ દિન સુધી નાણાં ન ચુકવાતા વ્યાજે, ધિરાણ પર બેંક કે ખાનગી ફાઈનાન્સમાંથી વ્યાજે રૂપિયા લાવી ખેતી કરેલ ખેડૂતોને ગળે ફાંસો ખાવાનો વારો આવ્યો છે. હાલમાં ગુજરાત સરકારે જાહેર કરેલ છે કે, ચાલું વર્ષમાં કોઈપણ ખેડૂતના નાણાં ચુકવવાના બાકી નથી ત્યારે છેલ્લા દસ વર્ષથી સુગરના ખેડૂતો પોતાના હકના નાણાં લેવા ધક્કા ખાઈ રહ્યા છે. તા.બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ ખેડૂત હિતરક્ષક સમિતિ બોડેલી બજાર સમિતિમાં એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. જે વેળા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને જો સરકાર નાણાં નહીં ચુકવે તો આગળ જતા લડત ઉગ્ર બનશે તેવી ચીમકી આપી હતી.