બોડેલી,તા.રર
એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડક્ટરોની હડતાળને પગલે બોડેલી ડેપો સતત બીજા દિવસે પણ સૂમસામ બન્યું હતું અને કર્મચારીઓએ પહેરણ ઉતારીને વિરોધ કરી નજીક રહેતા ડ્રાઈવર-કંડક્ટરો ઘરેથી રોટલા લાવ્યા, ડેપોમાં ખિચડી-શાક બનાવ્યા સાથે જમ્યા, કર્મચારી એકતા, અમારી માંગ પુરી કરોના નારા લગાવ્યા સહ કર્મચારીઓની હુંફથી ત્રણ દિવસથી અહિંયા કર્મચારીઓ રોકાયા છે.
સાતમાં પગાર પંચની માગણીને લઈને હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને અન્ય સહ કર્મચારીઓ પણ હુંફ અને ટેકો આપી રહ્યા છે. આજરોજ કર્મચારીઓએ પોતાના પહેરણ ઉતારીને વિરોધ કર્યો હતો અને કેટલાય ડ્રાઈવર અને કંડક્ટર ત્રણ દિવસથી પોતાના ઘરથી દૂર અહિંયા એકલા જ રહે છે. આવા કર્મચારીઓને અન્ય આસપાસ રહેતા ડ્રાઈવર-કંડક્ટર પણ વ્હારે આવ્યા છે. કોઈ ફાળો આપે તો કોઈ નજીકના ઘરેથી રોટલા બનાવી લાવે. ખિચડી-શાકનું જમણ તૈયાર કરીને સાથે બેસીને ભોજન કરે છે.