બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે આગમાં ખાખ થઈ ગયેલ મકાન નજરે પડે છે.             (તસવીર : સોએબ ખત્રી, બોડેલી)

બોડેલી, તા.ર૯

બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે મકાનમાં આગ લાગતા મકાન બળીને ખાખ થઈ ગયું હતું જ્યારે બાજુના મકાનને નુકસાન પહોંચ્યું હતું.હજુ રૂસ્તમપુરા ગામની ઘટના ભુલાઈ નથી ત્યારે બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે આજરોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે વિનોદભાઈ મનુભાઈ બારીયા ત્રણ પુત્રીઓને ઘરે મૂકી બોડેલી દવાખાને આવ્યા હતા ત્યારે તેમના ઘરે વીજમીટરના સર્વિસ વાયરમાં શોટસર્કિંટ થતાં બાજુમાં મૂકેલ ઘાસ સળગવાનું શરૂ થયું હતું અને જોતજોતમાં આગે મોટું સ્વરૂપ પકડી લેતા લાકડાના મકાન આગ ફેલાઈ ગઈ હતી. મકાનમાં આગ જોતા ગામવાળા દોડી આવી આગને કાબૂમાં લીધી હતી પરંતુ ત્યાં સુધી મકાન બળીને ખાખ થઈ ગયું હતું. વિનોદભાઈના ઘરમાં રોકડા રૂપિયા, સોના-ચાંદીના દાગીના અને ઘરવખરી સામાન બળી ગયો હતો. કુલ મળીને અંદાજે ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારે બાજુમાં રહેતા દેસાઈ ભુરસીંગભાઈ બારીયાનું ઘર પણ આગની લપેટમાં આવી જતા ભુરાભાઈને અંદાજે પચ્ચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.તહેવારના સમયે આગ લાગતા વિનોદભાઈના પરિવારના માથેથી છત ચાલી ગઈ હતી અને ઘર વગરના થઈ ગયા હતા ત્યારે ગામના અગ્રણીઓએ આગળ આવી વિનોદભાઈના પરિવારની બનતી સહાય કરી હતી.