અમદાવાદ, તા.૨૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના રોડ બનાવવામા સર્જાયેલા બોગસ બીલ કૌભાંડ મામલે એક ડેપ્યુટી સીટી ઈજનેર સહીત છ જેટલા આસીસ્ટન્ટ ઈજનેરોને સસ્પેન્ડ કરવાના નિર્ણય બાદ નવો વિવાદ સપાટી ઉપર આવવા પામ્યો છે જેમા આ તમામને પરત ફરજ ઉપર લઈ શકાય એ માટે માત્ર સસ્પેન્શન ઉપર ઉતારવાનો નિર્ણય કરવામા આવ્યો હોવાનુ મ્યુનિસિપલ વર્તુળોમા ચર્ચાઈ રહ્યુ છે.આ અંગે ની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમા રોડ બનાવવાના કામ દરમિયાન બોગસ બીલના આધારે પેમેન્ટ લઈ લેવાનુ કૌભાંડ બહાર આવવાના પગલે એક ડેપ્યુટી ઈજનેર સહીત છ જેટલા ઈજનેરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામા આવ્યાના પાંચ દિવસમા જ વધુ એક વિવાદ સપાટી ઉપર આવવા પામ્યો છે જેમાં જે અધિકારીઓને સસ્પેન્શન ઉપર ઉતારવામા આવ્યા છે આ તમામને મ્યુનિસિપલ કમિશનર ઉપર આવેલા દબાણને પગલે માત્ર સસ્પેન્શન ઉપર ઉતારવામા આવ્યા હોવાનુ મ્યુનિસિપલ વર્તુળોમા જોરશોરથી ચર્ચાઈ રહ્યુ છે.સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, સસ્પેન્શન ઉપર ઉતારવામા આવેલા તમામને નિયમ અનુસાર પગાર મળતો રહેશે આ સાથે જ તેમને જે તે સમયે નિવૃત્તિ વખતે પી.એફ.,ગ્રેજ્યુઈટી વગેરેના પણ લાભ મળવાપાત્ર બનશે.સૂત્રોનુ કહેવુ છે કે,જો મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ તમામને બોગસ બીલ કોભાંડ મામલે રીમુવ કરવાના એટલે કે ફરજ મોકૂફી ઉપર ઉતારવાનો આદેશ કર્યો હોત તો તેમના પગાર સહીત અન્ય લાભો અટકાવી શકાયા હોત પરંતુ મ્યુનિસિપલ કમિશનરે ભારે રાજકીય દબાણ હેઠળ આ તમામને માત્ર સસ્પેન્ડ કરવાનો જ નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્તુળોમા એવી પણ ચર્ચા રહી છે કે,આગામી સમયમા રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી રહી હોઈ અમદાવાદના લોકોને એમ લાગે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામા આવી એ બતાવવા પુરતુ જ મ્યુનિસિપલ કમિશનરે તમામને સસ્પેન્ડ કર્યા છે.વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ આ તમામ દયાની અરજી કરી તેમને ફરજ ઉપર પરત લેવા માટેની અરજી મ્યુનિસિપલ કમિશનરને કરી શકશે.