જામનગર, તા.૧૦
લાલપુરના કાનાલુસ સામે આવેલી પતરા કોલોનીમાં પોલીસે દરોડો પાડી વધુ એક બોગસ તબીબને પકડી પાડયો છે તેના દવાખાનામાંથી કેટલીક દવાઓ કબજે કરી પોલીસે તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
કોલોનીઓમાં અશિક્ષિત એવા પરપ્રાંતિયોને લૂંટવા માટે કેટલાક નકલી તબીબો પણ પગપેસારો કરી પોતાનો ગેરકાયદે વ્યવસાય ધમધમાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા કાનાલુસની લેબર કોલોની-૮ સામેની પતરા કોલોનીમાંથી બોગસ તબીબ પકડી પાડવામાં આવ્યા પછી ગઈકાલે સાંજે વધુ એક વખત પોલીસે ચકાસણી હાથ ધરતા ત્યાં પ્રેક્ટિસ કરતો એક બોગસ તબીબ મળી આવ્યો છે.
મૂળ પંજાબના ગુરૃદાસપુર જિલ્લાનો વતની મનજીતસિંઘ નાગરસિંઘ ગીલ નામનો શીખ શખ્સ ડોકટર તરીકે ઓળખ આપી પોતાની પાસે આવતા દર્દીઓને દવા આપતો હતો ત્યારે ત્રાટકેલી પોલીસે આ શખ્સનું સર્ટીફિકેટ જોવા માગતા તેની પાસે કોઈ સર્ટીફિકેટ ન હોવા છતાં તે ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આ શખ્સના કહેવાતા દવાખાનામાંથી જુદી જુદી દવાઓ કબજે કરી તેની સામે મેડિકલ પ્રેક્ટિનર્સ એક્ટની કલમ ૩૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ પ્રકારના હજુ કેટલાક તબીબો ધમધોકાર પ્રેક્ટિસ કરતા હોવાનું અને પ્રમાણમાં ઓછું ભણેલા પરપ્રાંતિયોને ધૂતતા હોવાનું જાણવા મળ્યું છે.