સુરેન્દ્રનગર, તા.૬
સુરેન્દ્રનગરની હોટલમાંથી બોગસ તબીબ ઝડપાયાના બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પાટડી ગેસ્ટ હાઉસમાંથી હરસ-મસા અને ભંગદર સહિત નપૂસંકતાની દવા કરતો બોગસ તબીબ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પાટડી આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખી દરોડો પાડતા પત્રિકા અને દવાઓના જથ્થા સાથે ઝડપી પાડવામમં આવ્યો હતો.
પાટડીના જેનાબાદ રોડ ઉપર આવેલા ક્રિશ્ના ગેસ્ટ હાઉસમાં બીજા મળે રાજસ્થાનનો મુસ્તુફા પઠાણ બોગસ તબીબ ઝડપાયો હતો. હરસ-મસાનો આ બોગસ તબીબ પોલીસે ઝડપી હાલ વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર હોટલમાંથી ઝડપાયેલા બોગસ તબીબનું નામ એમ.કે. પઠાણ હતું અને પાટડી ગેસ્ટહાઉસમાંથી ઝડપાયેલા બોગસ તબીબનું નામ પણ એમ.કે. પઠાણ હોવાની સાથે બંને બોગસ તબીબ રાજસ્થાનના ભિલવાડાના હોવાનું ખુલ્યું હતું.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી ગેસ્ટ હાઉસમાં બોગસ તબીબ સામે કાર્યવાહી હાથ ધરાઇ રહી હતી. એ સમયે પત્રીકા વાંચીને રવિભાઇ દેવીપૂજક અને નાનુભાઇ સુરેલા સહિતની બે વ્યક્તિ સારવાર માટે આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે એમના પણ જવાબો લઇ બોગસ તબીબ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
બોગસ તબીબને લખતા કે વાંચતા પણ આવડતું નહોતું. તેમજ રાજસ્થાનથી તૈયાર કરીને લાવેલા એક સરખા પ્રિસ્કીપ્સનના આધારે જ તમામ દર્દીઓની સારવાર કરતો હતો.