વડોદરા, તા.૧૭
નવાપુરા પોલીસ મથકની સામે રાજસ્થાન માહેશ્વરી સમાજની વાડી આવેલી છે. વાડી નજીક સોસાયટી વિસ્તાર છે. વાડીના હોદ્દેદારો દ્વારા પેવીંગ બ્લોક બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારની સવારે પેવીંગ બ્લોક બેસાડવાની કામગીરીનો પ્રારંભ થાય તે પૂર્વે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. તુ તુ મે મે થતા ટોળુ એકત્ર થયું હતું. અચાનક પથ્થરમારો થતા ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા અને અફવા બજાર ગરમ થયું હતું. પોલીસ તંત્રને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલસે એકત્ર ટોળાને વિખેરી નાંખી પરિસ્થિતિ થાળે પાડી હતી. રાજસ્થાન માહેશ્વરી સમાજના અગ્રણીઓ તથા સ્થાનિક રહીશોને નવાપુરા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. પોલીસતંત્ર દ્વારા સમાધાનનાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે માહેશ્વરી સમાજનાં રાજેશ પન્નાલાલ શાહ (રહે.પ્રિયદર્શનીનગર, મકરપુરા)ની ફરિયાદને આધારે પોલીસે લાલાભાઇ માળી, જગદીશભાઇ માળી, દિલીપભાઇ માળી, અનિલભાઇ માળી, શનાભાઇ માળી સહિત ૫૦ જેટલા સ્ત્રી-પુરૂષો સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ વાડી અંગે બંને પક્ષો તરફથી કોર્ટમાં કેસ ચાલે છે તેવું જાણવા મળ્યું છે.