(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૬
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામે મોટરકારમાં ધસી આવી અને યુવાનને ૧પ દિવસ પહેલાંની બોલાચાલીના મામલામાં ખાર રાખી યુવાનને ધાકધમકી આપ્યા બાદ રિવોલ્વર કાઢી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા યુવાન બેબાકળો બની ગયો હતો.
પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્રમાં પણ ભારે અફડાતફડીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાના વગડિયા ગામે ૧પ દિવસ પહેલાં વિજય કાઠી રામપરડાવાળા અને વગવડિયા ગામના પ્રકાશભાઈ ધારી (ઉ.વ.રપ) બંને વચ્ચે કોઈ કારણોવસાત બોલાચાલી થવા પામેલ હતી. ૧પ દિવસ પહેલાંની બોલાચાલીનો ખાર રાખી વિજય કાઠી એકાએક વગડિયા પાસે ધસી આવી અને પ્રકાશ ધારીને ધાકધમકી આપી અને હવામાં ફાયરિંગ કરી ભાગી ગયો હતો. જ્યારે પ્રકાશ ધારીએ મૂળી પોલીસ મથકે આવી વિજય કાઠી સામે ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.