(એજન્સી) નવી દિલ્હી, તા.૪
દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર કસ્ટમની હિરાસતમાં શંકાસ્પદ પરિસ્થિતિઓમાં વિદેશી નાગરિકના મોતના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતક વિદેશી નાગરિકના પેટમાંથી કોકેઈન ભરેલી ૭પ કેપ્સુલ જપ્ત કરવામાં આવી છે. કેપ્સુલમાં પ૧૯ ગ્રામ કોકેઈન જપ્ત થયું છે. ઘટનાના દિવસે કસ્ટમ ડિપાર્ટમેન્ટ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ કરાવી હતી પરંતુ એકસ રે રિપોર્ટમાં તેની જાણ થઈ શકી નહોતી. આ દરમિયાન એરપોર્ટ પર લઈ જતાં રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું. બોલીવિયાઈ નાગરિક એસ.વી.અરામબેલ ઈથોપિયન ફલાઈટ ઈ.ટી.૬૮૬થી અદીસ અબાબાથી આઈજીઆઈ એરપોર્ટ પર આવ્યો હતો. કસ્ટમ અધિકારીઓને સૂચના મળી હતી કે વિદેશી નાગરિકની પાસે મોટી સંખ્યામાં ડ્રગ્સ છે જેના આધારે એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ તેને હિરાસતમાં લીધો હતો. તપાસ દરમિયાન તેની બેગમાંથી કંઈ પણ ના મળતા તેના શરીરની અંદર ડ્રગ્સ હોવાના શકમાં તેની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવવામાં આવી પરંતુ ડ્રગ્સ હોવાનો રિપોર્ટ મળ્યો નહીં. ત્યારબાદ તેને એરપોર્ટ લઈ જવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન તેનું સ્વાસ્થ્ય કથળતા તેનું મોત નિપજ્યું હતું. મેદાંતા સેન્ટરના ડૉક્ટરોએ રાત્રે ૧૦ વાગ્યે તેને મૃત જાહેર કરી દીધો. ડૉક્ટર્સ અનુસાર બોલીવિયાઈ નાગરિકનું હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજ્યું છે. પોલીસ કસ્ટમ હિરાસતમાં વિદેશી નાગરિકના મોતની તપાસ કરી રહી છે.