(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણિયા ગામે સ્ટેટ હાઈવે પર આવેલ સર્કલના ડિવાઈડર પર ગતરોજ બપોરના સુમારે દારૂ ભરેલી પીકઅપ બોલેરો ડિવાઇડર ઉપર ચઢી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો અને વાહન ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પીક અપ ટેમ્પામાં વિદેશી દારૂ જોતા દારૂની લૂંટ ચલાવી હતી. થોડી મીનીટોમાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવે તે પહેલા ટેમ્પામાં ભરેલી તમામ વિદેશી દારૂ લૂંટાઈ ગયો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા તરફથી એક બોલેરો પીક અપ ટેમ્પો (જીજે–૧૫ વાયવાય – ૯૮૩૮ ) મહુવા તરફ પુરપાટ ઝડપે મંગળવારના રોજ બપોરે આવી રહ્યો હતો. પીકઅપ ટેમ્પા ચાલકે પોતાના કબજાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર હંકારી લાવી બપોરે ૩ વાગ્યાના અરસામાં બામણિયા સર્કલના ડિવાઈડર પર ચઢાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માત બાદ સ્થાનિક રહીશો પીકઅપ ટેમ્પા ચાલકને બચાવવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ ટેમ્પાની અંદર મુકેલ વિદેશી દારૂનો જથ્થો જોઈ ચોંકી ઉઠ્‌યા હતા. અને ત્યારબાદ સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો દ્વારા દારૂની લૂંટ ચલાવી હતી. અને થોડી મિનિટોમાં જ ટેમ્પામાં મુકેલ વિદેશી દારૂની ૧૫ થી વધુ પેટી લૂંટાઈ ગઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે ઘટનાને બે કલાક બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી ખાલી પીકઅપ ટેમ્પાને માર્ગની વચ્ચેથી દુર કરી આગળની કાયદેસરની કાર્યવાહી આદરી હતી. ઘટના ને બે કલાક બાદ બારડોલી ડીવાયએસપી જે. આઈ.વસાવા ને પૂછતા તેમણે વિદેશી દારૂ ચોરાયો હોવાની ઘટના અંગે થોડીઘણી માહિતી છે અને હું આ બાબતે તપાસ કરાવી જણાવુ એમ જણાવ્યું હતુ.