જામનગર,તા.૨૭
જામનગરની ભાગોળે લાલપુર બાયપાસ પાસે રવિવારે સાંજે બાઇક રિવર્સ આવતા બોલેરો પિકઅપ વાન પાછળ ધડાકાભેર ટકરાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક પિતા અને તેની પાછળ બેઠેલા ચાર વર્ષીય પુત્રના ગંભીર ઇજા થવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ચાલક મનોજભાઇ જયસુખભાઇ સોલંકી (ઉ.વ.૩૦) ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા તેના પત્ની નૂતનબેન મનોજભાઇ (ઉ.વ.૩૦), પુત્રી પૂજા મનોજભાઇ (ઉ.વ.૭) અને પુત્ર રાજ (ઉ.વ.૪) અને નાના પુત્ર વિવાન (ઉ.વ.૧)ને નાની મોટી ઇજા પહોંચતા તાકીદે સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત રાજ (ઉ.વ.૪)એ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. જ્યારે બાઇક પાછળ બેઠેલા નૂતનબેન મનોજભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોડી રાત્રે વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવા માટે તજવીજ હાથ ધરી છે.