(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૩
હવે તમે બોલ્યા વગર પણ બીજા સાથે વાત કરી શકશો. વૈજ્ઞાનિકોએ એવી ટેકનિક વિકસાવી છે જે કોઈ વ્યક્તિના ચહેરાના ઈશારાઓનો અર્થ તરત જ બીજા વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે. તેવામાં હસીને વાત કરવી પણ શક્ય બનશે.
અમેરિકાની બિંઘમ્ટન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ એવું માળખું વિકસિત કર્યું છે, જે કોઈ વ્યક્તિના ચહેરાના ઈશારાઓને તે જ સમયે ઓળખીને તેનો સંચાર કરી શકે છે, જે સમયે ઈશારાઓ કરવામાં આવે. વ્યક્તિ ચહેરા દ્વારા ઈશારો કરશે એવું તરત જ આ માળખું તેને ઓળખીને તેમાં રહેલો સંદેશ અન્ય વ્યક્તિ સુધી પહોંચાડશે.
સંશોધનકર્તાઓએ કેટલાક વિદ્યાર્થીઓના એક સમૂહ પર આ ટેકનિકનો પ્રયોગ કર્યો. તેમણે વિકસિત કરેલું માળખું એક વ્યક્તિના માથા પર લગાવ્યું. તેને એક સામાન્ય રમત શરૂ કરવાનું કહેવામાં આવ્યું. આ હેઠળ ખેલાડીઓને કેટલાક સંદેશાનો સંચાર કરવાનો હતો, જેથી એક વિશેષ સ્થાન પર પહોંચીને વધુમાં વધુ કેક ખાઈ શકે. ખેલાડીઓને કોઈ દિશામાં મોકલવા માટે ફક્ત માથું હલાવવા અને ચહેરાના ઈશારાઓનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું, જ્યારે કેક ખાવાનો સંદેશ સ્મિત દ્વારા આપવાનો હતો. વિકસિત કરવામાં આવેલી ટેકનિકે વ્યક્તિના ચહેરાના ઈશારાઓને યોગ્ય રીતે સમજ્યા.