(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ભારતીય મુસ્લિમોના થિન્ક ટેન્ક તરીકે જાણીતા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝેક્ટિવ સ્ટડીઝ આઈઓએસએ ભારતમાં કોમી નફરત, અરાજકતા અને ધાર્મિક કટ્ટરતાનો માહોલ ઊભો કરવાનો કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર જવાબદાર હોવાનો આરોપ મૂકયો છે અને આ ભયના માહોલને પુસ્તકોના માધ્યમથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ મુજબ આઈઓએસના ચેરમેન ડૉક્ટર મોહમ્મદ મંજૂર આલમે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશનો માહોલ બગડ્યો છે. જેના માટે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે. એમણે ભાજપ પર એવો આક્ષેપ કર્યો કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારના શાસનકાળ દરમિયાન ઊભો થયેલ નફરત અને ભયનો માહોલ દૂર કરવામાં વધુ સમય લાગશે. ડૉ.આલમે જણાવ્યું કે, આઈઓએસ એક રિસર્ચ સંસ્થા છે અને દેશની વિવિધ સમસ્યાઓ પર તીવ્ર દેખરેખ રાખે છે. એમણે દેશમાં વ્યાપેલ વ્યાપક નફરતના માહોલને જોતા સંસ્થા ચિંતિત હોવાનું જણાવ્યું છે. એમણે કહ્યું કે, આઈઓએસએ હિંદુ-મુસ્લિમો વચ્ચેની ખાઈ દૂર કરવા પુસ્તકોની શ્રેણી પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પુસ્તકોના માધ્યમથી ઈસ્લામ ધર્મ સંબંધિત તમામ ખોટી ધારણાઓ અને દુષ્પ્રચારને દૂર કરીને બહુમતી સમાજને ઈસ્લામ ધર્મ અંગે સાચી સમજ આપવા ૧રર પુસ્તકોની શ્રૃંખલા તૈયાર કરવામાં આવશે.