અમદાવાદ,તા. ૪
સાઉથ બોપલમાં આવેલા ઓર્ચિડ એલિગન્સમાં રહેતા એક વૃદ્ધ આજે વહેલી સવારે એપાર્ટમેન્ટના ૧રમા માળેથી પટકાતાં તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બોપલ પોલીસે અકસ્માત મોત દાખલ કરી વૃદ્ધે આપઘાત કર્યો છે કે અકસ્માતે નીચે પટકાતાં મોત નીપજ્યું છે તે અંગેનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. જો કે, પ્રાથમિક તપાસમાં પત્નીના અવસાન બાદ છેલ્લા ત્રણ મહિનાથી વૃધ્ધ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેના કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગેની વિગત એવી છે કે, સાઉથ બોપલમાં આવેલા ઓર્ચિડ એલિગન્સમાં કશ્યપભાઈ ગોર તેમના પરિવાર સાથે રહે છે. આજે સવારે ફ્‌લેટમાં અચાનક અવાજ આવતાં રહીશો બહાર દોડી ગયા હતા. કશ્યપભાઈના પિતા સુરેશભાઈ ગોર (ઉ.વ.પ૮) ૧રમા માળેથી નીચે પટકાતાં તેઓનું મોત નીપજ્યું હતું. કશ્યપભાઈને જાણ થતાં તેઓ પણ દોડી ગયા હતા. બોપલ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરેશભાઈએ આપઘાત કર્યો છે તેઓ અકસ્માતે નીચે પટકાવાથી તેઓનું મોત નીપજ્યું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ ધાબા પર સવારના સમયે વોકિંગ કરવા ગયા હતા અને નીચે પડી જતાં તેમનું મોત થયું હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. જો કે, વૃધ્ધના મોતને લઇ સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક અને અટકળો સર્જાયા હતા. બનાવને પગલે સ્થાનિક રહીશોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. વૃધ્ધ સુરેશભાઇ ગોરની પત્નીનું અવસાન થયા બાદ તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ડિપ્રેશનમાં હોવાની અને એકલતા અનુભવતા હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં આવી હતી અને આ કારણથી વૃધ્ધે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, તેમછતાં બોપલ પોલીસે સમગ્ર મામલામાં સાચી હકીકત અને કારણ જાણવાની દિશામાં તપાસ જારી રાખી છે. જો કે, વૃધ્ધના ૧૨ મા માળેથી પટકાવાના કારણે મોત નીપજવાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.