(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૭
કર્ણાટકના બિદર જિલ્લામાં મુરકીમા બાળક ચોરીની અફવાના પગલે ટોળાએ કથિત રીતે એક સોફટવેર એન્જિનિયર મોહમ્મદ આઝમને મારીમારીને હત્યા નિપજાવવાના મામલામાં પરિવારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલ ખોટી અફવાઓ રોકવા સરકાર પાસે યોગ્ય પગલાં લેવા માગણી કરી છે. મૃતક મોહમ્મદ આઝમના પિતા મોહમ્મદ ઓસ્માને જણાવ્યું કે મારા ૩ર વર્ષીય પુત્રને વોટ્સએપ પર ફેલાઈ રહેલ ખોટી અફવાઓને પગલે રહેંસી નંખાયો. એમણે કહ્યું કે ઓળખપત્ર બતાવવા છતાં ટોળાએ એમની વાત કાને ધરી નહીં અને મારા પુત્રને ખોટી અફવાઓ પર વિશ્વાસ કરીને રહેંસી નાંખવામાં આવ્યો. પુત્રની હત્યામાં સામેલ લોકોને કડક સજા આપવાની મોહમ્મદ ઓસ્માને સરકારને અપીલ કરી છે. જ્યારે મૃતક આઝમની માતાએ ગુસ્સામાં આક્રંદ કરતા સરકારને વેધક પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછયું કે શું તેમના દિકરાએ ભારત-પાકિસ્તાન બોર્ડર પાર કરી હતી ? તેણીએ કલ્યાંત કરતાં કહ્યું કે પોલીસે અંશ્રુ ગેસનો પણ ઉપયોગ કર્યો નહીં અને કોઈ ચેતવણી પણ આપી નહીં ? આઝમની માતાએ કહ્યું કે પોલીસ એમના પુત્રની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ પર ખોટી અફવાઓને પગલે દેશમાં વિભિન્ન રાજ્યોમાં અત્યાર સુધી ર૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે કે, હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ આઝમ, બશીર સલમાન અને અકરમ તેમના મિત્રને મળવા મુરકી આવ્યા હતા. દરમિયાન બાળકોને ચોકલેટ વહેંચી રહ્યા હતા એ સમયે વોટ્સએપ પર બાળક ચોરીની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામીણો એકત્રિત થયા હતા અને એમણે ચારેય મિત્રો પર હુમલો કર્યો હતો જેમાં મોહમ્મદ આઝમનું મોત નિપજ્યું હતું.
ગૂગલ એન્જિનયર મો.આઝમની હત્યા : માતાનો વિલાપ, પૂછયું શું મારા પુત્રે ભારત-પાકિસ્તાન બોર્ડર પાર કરી હતી ?

Recent Comments