(એજન્સી) બોસ્ટન, તા. ૧૪
અમેરિકાના બોસ્ટન નજીક થયેલા શ્રેણીબદ્ધ ગેસ વિસ્ફોટોમાં ૧૮ વર્ષના એક કિશોરનું મોત થયું છે અને અન્ય ૧૨થી વધુ લોકો દાઝી ગયા છે. વિસ્ફોટોને કારણે ૩૯ ઇમારતોને ભારે નુકસાન થયું છે. સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સ્થાનિક લોકોને ગેસની ગંધ આવવા કે આગ ફાટી નીકળવાની શંકા થાય તો તરતજ ઘરો કે ઇમારતો ખાલી કરી દેવાની સલાહ આપી છે. કુદરતી ગેસની પાઇપલાઇન ફાટી જવાને કારણે આગ ફાટી નીકળી અને વિસ્ફોટો થયા હોવાનું લાગે છે. ગુરૂવારે સાંજે પાંચ વાગ્યાના સુમારા લોરેન્સ, એન્ડોવર અને નોર્થ એન્ડોવર ટાઉનની ઇમારતામા શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેસ વિસ્ફોટોનું કારણ તાકીદે જાણવા મળ્યું નથી પરંતુ તપાસકારોને ગેસ મેઇનમાં દબાણને કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાની શંકા છે. આ ઘટનાની હજીપણ તપાસ ચાલુ છે અને વિસ્ફોટો થવાના કારણો વિશે તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન, મેસેચ્યુસેટ્‌સ સ્ટેટ પોલીસે જણાવ્યું કે વિભિન્ન ઇમારતો અને ઘરોમાં ઓછામાં ઓછા ૨૩ વિસ્ફોટો થયા છે. જોકે, સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના વિસ્ફોટો આસપાસના વિસ્તારોમાં થયા છે. સ્થાનિક ફાયર વિભાગના વડા માઇકલ મેન્સફીલ્ડે જણાવ્યું કે એન્ડોવરમાં ૨૫થી ૩૦ અને લોરેન્સમાં ઓછામાં ઓછા ૧૮ અગ્નિશામક વાહનો આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલા છે. એન્ડોવર પોલીસ વિભાગના પ્રવક્તા લેફ્ટ. એડવર્ડ ગાઇએ જણાવ્યું કે આ એક પ્રકારે કોઇ ગેસ સાથે સંબંધિત મામલો છે.