ભાવનગર,તા.ર૭
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામ પાસે મોટરકાર અને દૂધની મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા. જયારે ઘટના સ્થળે જ મોટરકારમાં આગ લાગી જતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મરણ જનાર બન્ને યુવાનો બોટાદના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વાહન અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ બોટાદથી ગઢડા જતી કાર અને દૂધની મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી. આ દરમ્યાન કારમાં બેઠેલા બોટાદ ગામે રહેતા બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયા હતા. જયારે બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી.