(સંવાદદાતા દ્વારા), સુરત તા.૨૬
શહેરના વરાછા એલ.એચ. રોડ શ્રીધર પેટ્રલ પંપ ઉપર બોટલમાં પેટ્રોલ આપવાની કર્મચારીએ ના પાડતા સાત જણાએ તોફાન મચાવી બે કર્મચારીને માર માર્યાનો બનાવ વરાછા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સિટીલાઈટ મહારાજા અગ્રસેન ભવન પાછળ મેઘના રો હાઉસમાં રહેતા સુરેશ રમણલાલ નાયકે આરોપી સાતેક જેટલા યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના એલ.એચ. રોડ સ્થિત શ્રીધર પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા યુવક મોટર સાઈકલ લઈને બોટલમાં પેટ્રોલ લેવા આવ્યા હતા. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની કર્મચારીએ ના પાડતા આરોપીઓએ બીજા પાંચેક જણાંને બોલાવી લાવી પેટ્રોલ પંપના સ્ટાફ સાથે ગાળ ગલોચ કરી કર્મચારી રાજુભાઈ નગરાડે, નરેશભાઈ પટેલને ઢીક-મુક્કીનો માર મારી તોફાન મચાવી નાસી ગયા હતા. બનાવ અંગે વરાછા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અને પેટ્રોલ પંપ પર તોફાન પચાવી બે કર્મચારીઓ પર હુમલો કરનાર તોફાનીઓને શોધી કાઢવા પોલીસ પેટ્રોલ પંપના સીસી કેમેરાની મદદ લીધી છે અને તોફાનીઓને પકડી પાડયા વિવિધ સ્થળે તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.