(એજન્સી) કરાચી, તા.૧૬
ક્રિકેટનું મેદાન ફરી એક વખત ક્રિકેટરના મોતનું સાક્ષી બન્યું છે. પાકિસ્તાનનો એક યુવા ખેલાડી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બાઉન્સર તેના માથા પર વાગવાના કારણે તેનું મૃત્યુ થઇ ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્‌વીટ કરી આ ખેલાડીના મૃત્યુ અંગેની વાતને સમર્થન આપ્યું છે અને બેટસમેનોના સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર યુવા ખેલાડી જુબેર અહેમદ ૧૪ ઓગસ્ટના રોજ કલબ ક્રિકેટ મેચ રમી રહ્યો હતો ત્યારે માથા પર બાઉન્સર વાગતા તેનું મેદાનમાં જ મૃત્યુ થઇ ગયું હતું. આ વાતને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ સમર્થન આપ્યું છે. પીસીબીએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે જુબેર અહેમદનું મૃત્યુ દૂર્ભાગ્યપૂર્ણ છે અને એકવાર ફરી સાબિત કર્યું છે કે રમતના સમયે સુરક્ષાના ઉપકરણ જેમ કે હેલ્મેટ પહેરવું અતિ આવશ્યક છે.