(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો કરનારા ભાજપના એક વરિષ્ઠ નેતાનું નામ પનામા પેપર્સ લીકમાં સામે આવ્યંુ છે. આ મામલે ઇડીએ ભાજપના નેતાની પૂછપરછ હાથ ધરી છે. બુધવારે ઇડીની કચેરીમાં ભાજપના નેતા શિશિર બજેરિયાની આશરે અડધો કલાક સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ બાદ બજેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, મારી સાથે જે વાત થઇ તે તપાસનો ભાગ હતો. મારા ભાજપમાં હોવાનો અર્થ એ નથી કે, ઇડી મારી પૂછપરછ ન કરી શકે. પનામા પેપર્સમાં મારૂં નામ ભૂલથી આવી ગયું છે. તેઓ તપાસ કરશે અને વહેલી તકે સત્ય સામે આવી જશે. પૂછપરછ માટે મને ઇડીની કચેરીમાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં મેં તમામ સવાલોના જવાબ આપ્યા હતા. બજેરિયા પર આરોપ છે કે, તેમની વિદેશમાં બેનામી સંપત્તિ છે. તેઓ હેપ્ટિક (બ્રિટિશ વર્જિન આઇસલેન્ડ) લિમિટેડના માલિક છે જેના બીવીઆઇમાં ૧૬ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ મોસાક ફોન્સેકા અને ઇકોનોમિકલ એમએફની મદદથી સ્થાપિત કરવામાં આવી હતી. જ્યારે ભાજપના નેતાએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, તેઓ આવી કંપનીના ક્યારેય માલિક રહ્યા નથી. આ બધું ભૂલને કારણે થયું છે. ભૂલને કારણે તેમનું પાસપોર્ટ મોસાકને મોકલવામાં આવ્યું હતું. પનામા દ્વારા લીક થયેલા દસ્તાવેજો અનુસાર કંપની પર સંપત્તિ છૂપાવવા અને ટેક્સ બચાવવાનો આરોપ લગાવાયો હતો. સૂત્રો અનુસાર બજેરિયાના ત્રણ અન્ય કંપનીના માલિક ગણાવાય રહ્યા છે.