નવી દિલ્હી, તા.૧૬
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાનું માનવું છે કે વિરાટ કોહલીનું રમત પ્રત્યેનું સમર્પણ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો જેવું છે. તેમજ ટેલેન્ટના મામલે લોકેશ રાહુલ ભારતીય કેપ્ટનની સમકક્ષ છે. લારાએ એક ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે બેટિંગને અવિશ્વસનીય સ્તરે લઇ જનાર વિરાટ કોહલીનો ફેન છે. વિરાટની તૈયારી ઉપરાંત રમત પ્રત્યેનું તેનું સમર્પણ તેને અલગ બનાવે છે.
લારાએ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વર્લ્ડ કપ ફાઇનલ અને એશિઝ સીરિઝમાં રમેલી ઇનિંગ્સના પણ વખાણ કર્યા હતા. હેડિંગ્લે ટેસ્ટમાં સ્ટોક્સે રનચેઝમાં અણનમ ૧૩૫ રન કર્યા હતા. લારાએ કહ્યું કે, તેણે અસાધારણ બેટિંગ હતી તે સાથે જ વર્લ્ડ કપ ફાઇનલમાં ૮૪ રન ફટકાર્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટોક્સ ખરાબ સમયથી પસાર થયો હતો. જેમાં બ્રિસ્ટલ પબ વિવાદ હતો, જે બદલ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે પછી તેણે મજબૂત રીતે કમબેક કર્યું છે.
વિન્ડીઝના ઘણા ખેલાડીઓ ટી-૨૦ લીગમાં રમીને પૈસા કમાઈ છે. લારાએ કહ્યું કે, દરેક ક્રિકેટરની વ્યક્તિગત પસંદ હોય છે. ૭૦ના દાયકામાં કેરી પેકરના સમયે પણ આવું જોવા મળ્યું હતું. આ કોઈ નવી વાત નથી. દરેક ખેલાડીને વિન્ડીઝની ટીમમાં તક મળશે નહીં, તો તેમને ટી-૨૦ લીગમાં પૈસા કમાવવાની તક મળે તો તેમાં કઈ ખોટું નથી. ભારતીય ક્રિકેટ ટીમ પાસે ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, જોકે તેઓ વનડે અને ટેસ્ટને લઈને પણ એટલા જ ઉત્સાહિત છે.