મોરબી,તા.૧૮
મોરબીના ટ્રાફિકને ડાયર્વટ કરવા મચ્છુ નદીમાં બેઠો પુલ (કોઝ-વે) બનાવવા માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી શહેરની ટ્રાફિકની સમસ્યા ઉતરોત્તર વકરતી જાય છે. હાલ સામાકાંઠે જવા માટે હૈયાત મયુર બ્રિજ તેમજ સિરામિક ઉદ્યોગ તરફ જવા માટે વાહનોની અવર-જવર મચ્છુ-ર ડેમની પાસે જોધપર ખાતે બંધાયેલ બ્રિજ એમ બે જ વિકલ્પો હોવાને કારણે મોરબી શહેરમાં વારંવાર ટ્રાફિક જામ થઈ જતો હોય છે. તે મુશ્કેલી નિવારવા મોરબી-માળિયા(મિં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી વિકલ્પ સૂચવ્યો છે કે મોરબી જેઈલ રોડ ઉપરની પાંજરાપોળ ગૌશાળા નજીક મચ્છુ નદીમાં કે જ્યાં પાણી અટકાવવા માટેની પાકી આડસ બાંધવામાં આવી છે ત્યાં બેઠો પૂલ (કોઝ-વે) બનાવીને સામાકાંઠે ભડિયાદ તરફ વાહનો ડાયર્વટ થઈ શકે તેમ છે. આ કામ માટે તાકિદે જરૂરી સર્વે, તાંત્રિક ચકાસણી કરાવી નકશા અંદાજો બનાવી અને આગામી બજેટમાં આ કામ માટે પૂરતી રકમની જોગવાઈ કરી મોરબીની પ્રજા માટે ટ્રાફિક ડાયર્વટ કરવા માટેની એક નવી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે. તદ્‌ઉપરાંત સામાકાંઠે નઝરબાગથી જુના રફાળેશ્વર તરફનો જે હૈયાત ડામર રોડ હાલ બિસ્માર હાલતમાં છે. તે રિ-સર્ફેસ કરવા તથા હૈયાત પહોળાઈને વધારી વાઈડનીંગ કરવા પણ ધારાસભ્યએ રજૂઆત કરેલ છે. આ રોડ રફાળેશ્વર, ભડિયાદ અને લાલપર એમ ત્રણ ગામને સ્પર્શતો અને સિરામિક ઉદ્યોગ ઝોનમાં આવવા-જવાનો મહત્ત્વનો માર્ગ હોય આ કામને ટોચ અગ્રતા આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.