વોશિંગ્ટન, તા.ર૧
વિદેશમંત્રી સુષમા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન પર આતંકવાદને લઈ આકરા પ્રહારો કર્યા હતા. સુષમા સ્વરાજે કહ્યું કે આતંકી સંગઠનોને એવા દેશોથી મદદ અને શરણ મળી રહે છે, જેઓએ આતંકવાદને પોતાના હિતોને પૂરા કરવાનો સાધન બનાવી રાખ્યો છે. સુષમાએ પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદનો આશરો ગણાવ્યો છે. સુષમા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બ્રિક્સ મંત્રી સ્તરની બેઠકમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરા બનેલા આતંકી સંગઠનો પર બોલી રહ્યા હતા. સુષમા સ્વરાજે પોતાના સંબોધનમાં ઉત્તર કોરિયા જેવા સમસ્યા પેદા કરનારા દેશોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (આઈએમએફ) અને સુરક્ષા પરિષદમાં સુધારા માટે સામૂહિક પ્રયાસની વાત કરી હતી. સુષમા સ્વરાજે કહ્યું કે, આવા દેશોની નિદા કરવાની જરૂર છે જો બીજા દેશો વિરૂદ્ધ આતંકવાદને આશ્રય આપવા ધર્મનો સહારો લે છે. સુષમાએ આતંકીઓના નેટવર્કને તોડવા, તેઓને રૂપિયા, હથિયારોની સપ્લાઈ રોકવા અને રાજકીય સમર્થન બંધ કરવા માટે સામૂહિક પ્રયાસોની વકાલત કરી હતી.