(એજન્સી) તા.૧પ
બ્રિટનની શેડો કેબિનેટના એક મંત્રીએ મુસ્લિમો પર થઇ રહેલા કથિત હિંસક હુમલા માટે ભારતની ટીકા કરતાં કહ્યું કે બ્રિટિશ સરકારે તેના પર ધ્યાન આપવું જોઈએ અને અત્યંત ચિંતાજનક સ્થિતિના વિષયે કાર્યવાહી કરવી જોઈએ. લેસિસ્ટર સાઉથના લેબર પાર્ટીના સાંસદ જોનાથન એશવર્થે ગત અઠવાડિયે વિદેશમંત્રી અને વડાપ્રધાન પદના દાવેદાર જેરેમી હંટને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેમના સંસદીય ક્ષેત્રમાં રહેતા અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે ભારત સરકાર આ મુદ્દે પર્યાપ્ત પગલાં ભરી રહી નથી. એશવર્થે કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમોએ ભારતમાં મુસ્લિમ સમુદાય સાથે થતી હિંસાના મુદ્દે મારો સંપર્ક સાધ્યો હતો. હંટે આ ગંભીર મુદ્દે ધ્યાન આપવા અને તેના પર કાર્યવાહી કરવાનો આગ્રહ કરતાં શેડો કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી એશવર્થે કહ્યું કે ભારતમાં હાલની જે સ્થિતિ છે તે અત્યંત ચિંતાજનક છે. ત્યાંથી ધાર્મિક રૂપે પ્રેરિત હત્યાઓ, મારપીટ, રમખાણો, ભેદભાવ, તોડફોડના સમાચારો આવી રહ્યાં છે અને ત્યાં ધર્મનું પાલન કરવાના અધિકારથી વંચિત કરવા જેવા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે મારા સંસદીય ક્ષેત્રના લોકો ચિંતિત છે કે ભારત સરકાર ત્યાં મુસ્લિમો પર થઇ રહેલા હુમલા મામલે યોગ્ય કાર્યવાહી કરી રહી નથી. એશવર્થે કેબિનેટમંત્રી અને યુકેના વિદેશ અને કોમનવેલ્થ અધિકારીને લખેલા પત્રમાં કહ્યું કે મારા ક્ષેત્રના મુસ્લિમ લોકો મારો સંપર્ક કરી રહ્યાં છે અને તેઓ ભારતમાં મુસ્લિમો પર થતાં સતત હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે મને આશા છે કે બ્રિટન આ મામલે જાતે ધ્યાન આપશે અને કાર્યવાહી કરશે. તેમના પત્રના જવાબમાં કહ્યું હતું કે અમે ભારતમાં મુસ્લિમોની સ્થિતિ સુધરે તે માટે કામગીરી કરી રહ્યાં છીએ અને અમારું મુસ્લિમ યુવાઓનું સશક્તિકરણનો પ્રોજેક્ટ અત્યાર સુધી ૧૫૦ મુસ્લિમ યુવાઓ, ૨૦ શિક્ષકો અને ૧૦૦ શૈક્ષણિક સંસ્થાનોને આવરી ચૂક્યું છે.