(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન કચેરીના પ્રાંગણમાં બ્રિટીશ ફલેગ લગાવેલી તેમજ બ્રિટીશ નંબર પ્લેટની ભૂરા કલરની ચમચમાતી વૈભવી કાર નજરે પડતાં ભારે કુતૂહલ સર્જાયું હતું. બ્રિટનની ગાડી વડોદરા કેવી રીતે આવી તે ચર્ચાનો વિષય બન્યો હતો.
આજરોજ સવારે વડોદરા મ્યુનિ. કચેરીના મેઇન ગેટની અંદર એક વૈભવી રોયલ કાર પ્રવેશી હતી. આ કાર ઉપર બ્રિટીશ સરકારનો ફલેગ લગાવેલો હતો. સાથે જ ગાડીની નંબર પ્લેટ પણ બ્રિટનની હોવાથી સૌથી કોઇ આશ્ચર્યમાં પડી ગયા હતા અને આ કાર કોણી છે તે જાણવા કુતૂહલ સર્જાયું હતું. લોકોએ કારના ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
તપાસ કરાતા જાણ થઇ હતી કે, ગુજરાત અને રાજસ્થાનના વિકાસ કાર્યો અંગે ભારત સાથે જોડાયેલ બ્રિટીશ હાઇકમિશનની આ વૈભવી કાર બ્રિટીશ ટીમને લઇ વડોદરા આવી હતી. જ્યાં વડોદરાના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવા માટે મ્યુનિ. કમિશનર સાથે ચર્ચા-વિચારણા અંગે બેઠક કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના નવા મ્યુનિ.કમિશનર સાથે લગભગ એકાદ કલાક જેટલા સમય સુધી બ્રિટીશ હાઇકમિશનની આ બેઠક ચાલી હતી. જેમાં આવનારા દિવસોમાં શહેરના વિકાસ અર્થે કરવામાં આવનાર કામ બાબતે ચર્ચા થઇ હતી.
બેઠક બાદ બ્રિટીશ હાઇકમિશનની આ ટીમ પોતાની વૈભવી કારમાં બ્રિટીશ ફલેગ સાથે પરત નિકળતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. લોકો રમુજી રીતે એકબીજાને આ અંગ્રેજો પાછા વડોદરા કેમ આવ્યા છે. તેમ કહેતા જોવા મળ્યા હતા.