(એજન્સી) લંડન,તા.૧૭
બ્રિટનની એક સાંસદે ભારતમાં એન્ટ્રીની મંજુરી નહી મળી હોવાનો આરોપ લગાવ્યો છે. બ્રિટિશ સાંસદ સોમવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી હતી પરંતુ એરપોર્ટ પર હાજર ઈમીગ્રેશન અધિકારીઓએ તેમને કથિતરીતે ભારતમાં એન્ટ્રી આપવાની મનાઈ કરી દીધી.
જે સાંસદે ભારતમાં એન્ટ્રીની મનાઈ કરી છે, તેનું નામ ડેબી અબ્રાહમ છે અને તે બ્રિટનની લેબર પાર્ટીની સાંસદ છે. કાશ્મીર મુદ્દે ગઠિત સંસદીય કમિટિની તે પ્રમુખ છે. તેની સાથે ભારત આવેલા તેમના સહયોગી હરપ્રીત ઉપલે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, ડેબી અબ્રાહમનો ભારતીય વિઝા રદ્દ કરી દેવામાં આવ્યો છે. જે બાદ કસ્ટમના અધિકારીઓએ તેમને ભારતમાં એન્ટ્રી આપવાની મનાઈ કરી દીધી.
ઉલ્લેખનિય છે કે, ડેબી અબ્રાહમ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા વિરુદ્ધ ઘણું બોલ્યા હતા. ડેબી અબ્રાહમે આ મુદ્દાની ટીકા કરતા બ્રિટન સ્થિતી ભારતીય હાઈકમિશનને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કાશ્મીરના લોકો સાથે ’વિશ્વાસઘાત’ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટના પછી ડેબી અબ્રાહમે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતમાં તેમની સાથે અપરાધીઓ જેવું વર્તન કરવામાં આવ્યું હતું.