(એજન્સી) તા.૩
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અંગત સચિવ રહી ચૂકેલ વેંકટ કલ્યાણમે દાવો કર્યો છે કે બ્રિટિશ સરકાર ભારતની આજની સરકાર (કેન્દ્રની મોદી સરકાર) છે એના કરતા ઘણી સારી હતી. મીડિયાના અહેવાલો મુજબ એમણે આ દાવો બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની ૧૪૯મી જન્મજયંતીના દિવસે તામિલનાડુના મદુરાઈમાં કર્યો હતો. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ મંગળવારે મદુરાઈમાં મહાત્મા ગાંધીના અંગત સચિવ રહી ચૂકેલ ૯૬ વર્ષીય કલ્યાણમે કહ્યું કે, બ્રિટિશ રાજ વર્તમાન શાસકોની સરખામણીમાં ઘણું સારું હતું. અખબાર મુજબ એમણે કહ્યું હું હાલમાં ભારતમાં બ્રિટિશ શાસન પસંદ કરીશ. કલ્યાણમે કહ્યું કે બ્રિટિશ શાસન વખતે દેશમાં કોઈ ભ્રષ્ટાચાર ન હતો. એમણે કહ્યું કે પોતે ગાંધીજીએ કેટલીક વખત એમના બ્રિટિશોના વહીવટના વખાણો કર્યા હતા. ગાંધી સંગ્રહાલયમાં યોજાયેલ ભવ્ય પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન કરતી વખતે એ જૂની યાદોમાં સરી પડ્યા. એ દિવસોને યાદ કરતા એમણે કહ્યું કે બધાને સવારે ૩ વાગે ઉઠીને પ્રાર્થનામાં હાજરી આપવી પડતી હતી. કલ્યાણમે કહ્યું કે, એ ગાંધીજીના પત્રોને લખતા હતા અને પછીથી તેઓ પેન્સિલથી સુધારો કરતા હતા. આ પત્રોમાંથી અમુક પત્રો ઉપર ગાંધીજીની સહી છે જે હાલમાં પ્રદર્શનીમાં રાખવામાં આવેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ વેંકટ કલ્યાણમ ૧૯૪૩થી ૧૯૪૮ સુધી મહાત્મા ગાંધીના અંગત સચિવ હતા. વેંકટ ૩૦મી જાન્યુઆરીની ઘટનાના સાક્ષી હોવાનો દાવો કરે છે. વર્ષ ર૦૦૬માં કોલ્લમમાં એક સંમેલનમાં એમણે એમ કહીને સમગ્ર દેશમાં વિવાદો ઊભા કર્યા હતા કે નાથુરામ ગોડસેની ગોળીઓ વાગ્યા પછી મહાત્મા ગાંધી પડી ગયા હતા, એમણે ‘હે રામ’ કહ્યું જ ન હતું’ જો કે કલ્યાણમે આ નિવેદન બદલ પછીથી ખુલાસો કરતા જણાવ્યું કે મારા નિવેદનને તોડી મરોડી રજૂ કરાયું હતું. એમણે દાવો કર્યો કે, એ ક્યારે નથી બોલ્યા કે બાપુના અંતિમ શબ્દો ‘હે રામ’ ન હતા. વેંકટે કહ્યું ‘મહાત્મા ગાંધીને જ્યારે ગોળી વાગી ત્યારે બધા બૂમો પાડી રહ્યા હતા. હું એ ઘોંઘાટમાં કંઈ સાંભળી શક્યો ન હતો. બની શકે કે એમણે ‘હે રામ’ કહ્યું હોય, હું નથી જાણતો.