(એજન્સી) દુબઈ, તા.૧૬
યુનાઈટેડ અરબ અમિરાતે પીએચડી કરી રહેલ બ્રિટનના વિદ્યાર્થી ઉપર અખાત દેશોની જાસૂસી કરવાના આક્ષેપો મૂક્યા છે. વિદ્યાર્થીની પત્નીએ બ્રિટિશ સરકારને દરમિયાનગીરી કરી પતિને નિર્દોષ ઠરાવવા માટે મદદ કરવા વિનંતી કરી છે. યુએઈના એટોર્ની જનરલે જણાવ્યું કે, મેથ્યુ હેડગેસ ઉપર વિદેશમાં જાસૂસીના આક્ષેપો મૂકાયા છે, જેની દેશની સુરક્ષા, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ ઉપર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ૩૧ વર્ષીય વિદ્યાર્થી યુએઈની વિદેશી બાબતો અને આંતરિક સુરક્ષાની નીતિઓ બાબત રિસર્ચ કરી રહ્યો છે. એમની ધરપકડ પમી મેએ દુબઈ એરપોર્ટથી કરાઈ હતી. હેડગેસને પત્ની ડેનિએલા તેજાદાએ કહ્યું કે, મારા પતિને અજાણ્યા સ્થળે રાખવામાં આવ્યું છે, એમને કોઈની સાથે મળવા દેવામાં પણ આવતું નથી. એમની ઉપર માહિતી ભેગી કરી યુકેને પહોંચાડવાના આક્ષેપો મૂકાયા છે. તેજાદાએ બ્રિટિશ સરકારને વિનંતી કરી છે કે મારા પતિને જાહેરમાં નિર્દોષ જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે કે એમના વિશે ખોટા સમાચારો ફેલાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમારા માટે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. બ્રિટનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે યુએઈના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છીએ અને અમને પણ હેડગેસના જીવ વિશે ચિંતા છે. અમને બનતી ત્વરાએ એમને મુક્ત કરાવીશું.