તાજેતરમાં યુ.કેના બોલ્ટન શહેરમાં એક અભૂતપૂર્વ બાયોલિંગ્‌અલ (બે ભાષા) કોમેડી નાટક ભજવાયું,’’ “બ્રિટેશિયન ચાચા’’ જે હેરિટેજ લૉટરી ફંડના સહયોગથી ‘બ્રિટેશિયન બઝ’ દ્વારા ૫મી ઓગસ્ટના પ્રસ્તુત થયું હતું. ભારત-ગુજરાત છોડી પરદેશ બ્રિટનની ભૂમિ ઉપર વસતી તો બીજી તરફ અહીં બ્રિટનમાં જન્મેલી અને ઉછળેલી પેઢી આમ, બે પેઢીઓની જીવનશૈલી આધારિત નાટક હતું. ભાષા, સાહિત્ય, સામાજિક રીતભાત, સંસ્કૃતિ, રહેણીકરણી, માન્યતા અને વ્યવહારો જે ગુજરાતી વારસો ગણાય છે તેને ઉજાગર કરવા માટેનો આ પ્રયોગ હતો. જૂની અને નવી પેઢી આ એશિયન સમુદાયના વારસાનું કઈ રીતે જતન કરી સાચવે છે તે દૃષ્ટિએ હળવી શૈલીમાં નાટક રજૂ થયું હતું.
આ નાટકના સંવાદો ગુજરાતી અને અંગ્રેજી એમ દ્વિભાષી હતા જેથી ખૂબ જ અસરકારક રહ્યા, તથા ડાયસ્પોરિક પ્રસંગો વણી આવરી લેવામાં આવ્યા હતા જેથી પ્રભાવક અને પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખ્યા હતા. બોલ્ટન ઉપરાંત ઈંગ્લેન્ડના અન્ય શહેરો બ્લેકબર્ન, બાટલી લેસ્ટર, પ્રેસ્ટનના તો વળી કેટલાક ગુજરાત-ભારતથી પણ અતિથિઓ પધાર્યા હતા. ‘અવર હેરિટેજ ઈઝ વન્ડરફૂલ’ નામની નાનકડી કવિતા અને વાતેવાતે પૂછે છે વ્હાય એટલે મારું માથું ફાટી જાય… જેવા સંવાદોએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતો તો કેટલાક સંવાદો ક્યારેક હાસ્યની છોળો ઉડાવતા હતા.જેના સર્જક હતા જાણીતા કવિ અદમ ટંકારવી. આ હ્યુમરસ કોમેડી ધરાવતાં નાટકમાં મુખ્યત્વે સંસ્કૃતિ, સંસ્કાર અને વારસો સાચવવાના હેતુથી જૂની અને યુકેમાં ઉછેર પામેલી પેઢી વચ્ચેના સંવાદો, પ્રસંગો દ્વારા ઉમદા સંદેશ હતો. લેસ્ટરના ચાર અને બોલ્ટનના ત્રણ અદાકારો દ્વારા ત્રણ મહિનાના અથાગ પ્રયત્નો બાદ નાટક રજૂ કરાયું હતું. બોલ્ટનના એશિયન ઍલ્ડર્સ રિસોર્સીસ સેન્ટરના આમંત્રિત દર્શકોથી હોલ છલોછલ હતો. બોલ્ટનના ઈમ્તિયાઝ પટેલ, ફારૂક અને લેસ્ટરના બેદાર લાજપુરી, યુસુફ સિદાત અને અન્ય સાથીદારોના સહકારથી સફળ રીતે આ નાટક સાકારિત થયું. તસવીરમાં ડાબેથી, કોમેડી નાટકના લેખક, ડાયરેક્ટર અદમ ટંકારવી, દિલીપ ગજજર, ફારૂક અઝીઝ ટંકારવી (આયોજક), તેમની પુત્રી અનીશા, ઈમ્તિયાઝ પટેલ અને સાધનાબેન પાછળ ઉભેલ યશપાલ ચાવડા, બાબર બંબુસરી અને દીના ચાવડા દૃશ્યમાન થાય છે.
અહેવાલ : દિલીપ ગજ્જર, યુસુફ સિદાત