(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
સામાન્ય ચૂંટણીઓ પુરી થઇ ગયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં હિંસા ચાલુ રહેતા રાજ્યના રાજ્યપાલ કેએન ત્રિપાઠીએ સર્વપક્ષીય બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. કોલકાતાની શેરીઓમાં બુધવારે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણો સર્જાયા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યપાલે ગુરૂવારે સાંજે ચાર વાગે રાજભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સીપીઆઇ-એમ, કોંગ્રેસ, ટીએમસી અને ભાજપ સહિત પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનાર બધા મોટા રાજકીય પક્ષોને આમંત્રણો મોકલી દેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં બધા રાજકીય પક્ષો તેમના મતભેદો દૂર કરવા અને ચર્ચા કરવા માટે એક મંચ પર ભેગા થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાય તેના માટે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ રાજ્યપાલ તરીકેને પોતાની ક્ષમતાએ આ બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્યમાં શાસક ટીએમસી સરકારે તેની સંમતિ આપી છે અને સર્વપક્ષીય બેઠકમાં ટીએમસીના એક પ્રતિનિધિને મોકલવામાં આવશે. ટીએમસીના પર્થો ચટરજી, ભાજપના દિલીપ ઘોષ, સીપીઆઇ-એમના એસકે મિશ્રા અને કોંગ્રેસના એસએન મિત્રા સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે. રાજ્યપાલના આ પગલાનું સ્વાગત કરતા પશ્ચિમ બંગાળ ભાજપ એકમના પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું કે રાજ્ય સરકારે આ પગલું ભરવું જોઇતું હતું. અમે આવતીકાલે યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લઇશું.