અમદાવાદ,તા.૯
સુરતમાં બીઆરટીએસ કોરીડોરમાં કાર હંકારવાનું એક પીઆઈને ભારે પડી ગયું. નિયમોનો ભંગ કરવા બદલ પીઆઈને સુરતના પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે હવે આડેધડ નિમયોનો ભંગ કરતા પોલીસ કર્મીઓ અને સરકારી કર્મીઓમાં પણ ફફડાટ પેસી ગયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક પોલીસ અધિકારી બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવતા દેખાયા હતા. આ વીડિયો સુરતના જહાંગીરપુરાનો છે. જેમાં સુરતના પોલીસ ઈન્સ્પેકટર એમ.આર. નકુમ બીઆરટીએસ કોરીડોરમાં કાર હંકારી રહ્યા હતા. ત્યારે એક જાગૃત નાગરિકે પોલીસ ઈન્સ્પેકટર નકુમને પકડી પાડયા હતા. ત્યાર બાદ તેઓને ટ્રાફિકના પાઠ ભણાવ્યા હતા. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં જાણે પ્રજા માટે ઘડાયેલા નિયમોનો પોલીસ ઓફિસર સરેઆમ ભંગ કરે તેને કેવી રીતે ચલાવી લેવાય ? તેમજ નિયમો માત્ર પ્રજા માટે જ હોય છે ? રક્ષકો જ નિયમો પાળશે નહીં તો પ્રજા નિમયોનું પાલન કેવી રીતે કરશે ? જેવા અનેક સવાલો ઉઠયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સુરતના પોલીસ કમિશનરે બીઆરટીએસ કોરીડોરમાં કાર હંકારનારા પોલીસ ઈન્સ્પેકટર નકુમ વિરુધ્ધ શિક્ષાત્મક પગલાં ભરીને તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે હવે પ્રજાને નિયમોનું પાલન કરવા માટે કામ કરતા પોલીસ કર્મીઓ પણ નિયમોનું પાલન કરે તેવી લોકમાંગ ઉઠી છે.