અમદાવાદ, તા.૨૨
પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોતની ચકચારી અને હૃદયદ્રાવક દુર્ઘટનાના વિરોધમાં આજે એનએસયુઆઇ દ્વારા અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસ બંધનું એલાન આપવામાં આવ્યું તું અને એનએસયુઆઇના હજારો કાર્યકરો શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા અને બીઆરટીએસ બસને બંધ કરાવી બંધના એલાનને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો એનએસયુઆઇના કાર્યકરોએ આજે શહેરના ગુજરાત યુનિવર્સિટી, લો ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં બીઆરટીએસ બસોને બંધ કરાવી હતી. સેંકડો કાર્યકરોએ રસ્તા રોકી, બીઆરટીએસ બસની છત પર ચડી જઇ અને ટાયરોની હવા કાઢી નાંખી બીઆરટીએસ બસો બંધ કરાવી હતી. પોલીસે પણ ઉશ્કેરાયેલા એનએસયુઆઇના કાર્યકરોને એક તબક્કે ટીંગાટોળી અટકાયત કરવી પડી હતી, જેને પગલે મામલો ગરમાયો હતો. એનએસયુઆઇના કાર્યકરોએ નાગરિકોની સુરક્ષા માટે બીઆરટીએસ કોરિડોર તાત્કાલિક ધોરણે હટાવવાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર અને વિરોધ-દેખાવો યોજયા હતા. ગઇકાલે શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસની ટક્કરે બે સગા ભાઇઓના મોતના અકસ્માત પછી ડ્રાઈવર બસ મૂકી ભાગી છૂટ્યો હતો. પરંતુ તેની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. અકસ્માતને પગલે આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)એ બંધનું એલાન આપ્યું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બસોને રોકાવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જ્યારે એનએસયુઆઈ દ્વારા લો ગાર્ડન સહિતના વિસ્તારોમાં પણ બસો રોકવામાં આવી હતી અને ટાયરોમાંથી હવા કાઢી દેવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના બીઆરટીએસ બસ સ્ટોપ પાસે એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો અને ત્યાંથી પસાર થતી બસોને રોકાવી હતી. તો કેટલાક એનએસયુઆઇ કાર્યકરો બસ પર ચડી ગયા હતા અને બસ વ્યવહાર ખોરવી દીધો હતો. જેને પગલે ત્યાં દોડી આવેલી યુનિવર્સિટી પોલીસે એનએસયુઆઈ કાર્યકરોને વિરોધ પ્રદર્શન કરતા અટકાવ્યા હતા. જો કે તેઓ નહી માનતા આખરે પોલીસે ટીંગાટોળી કરીને પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતથી ખફા એનએસયુઆઈએ સવારે બસો બંધ કરાવવાનું શરૂ કરતાં શહેરના લો ગાર્ડન પાસે મુસાફરો રઝળી પડ્‌યા હતા.