અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરના વિવિધ રૂટો ઉપર જનમાર્ગ લિમિટેડ દ્વારા દોડાવવામા આવી રહેલી ૨૫૦ જેટલી બીઆરટીએસની બસોમાં સીસીટીવી કેમેરા ઈનસ્ટોલ કરવા તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામા આવ્યુ છે આ કેમેરા કાર્યરત કરવામા આવ્યા બાદ ખિસ્સા કાતરૂ,મોબાઈલની ઉઠાંતરી કે ચીલ ઝડપ કરનારા તત્વોથી લઈને બીઆરટીએસના કોરીડોરમાં ગેરકાયદે વાહનો ઘુસાડનારા તત્વો ઉપર સીધી દેખરેખ રાખવામા આવશે.આ અંગે જનમાર્ગના દિપક ત્રિવેદીએ એક વાતચીતમા કહ્યુ છે કે,અમદાવાદ શહેરમા કુલ મળીને ૯૭ કિલોમીટરના વિસ્તારમાં જનમાર્ગ દ્વારા ૨૫૦ જેટલી બસો દોડાવવામા આવી રહી છે આ બસો પૈકી ૨૨૫ જેટલી બસો એ.સી.છે.જનમાર્ગ દ્વારા અમદાવાદ શહેર અને શહેર બહાર ઝુંડાલ સુધી દોડાવવામા આવતી બસોના અનુભવે એમ જોવા મળ્યુ છે કે,બીઆરટીએસ કોરીડોરમાં ખાનગી વાહનોને પાબંધી ફરમાવતુ જાહેરનામુ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામા આવ્યુ હોવા છતાં પણ રોજબરોજ શહેરના વિવિધ ક્ષેત્રમાં આવેલા બીઆરટીએસના કોરીડોરમાં ટુ વ્હીલરથી લઈને ઓટોરિક્ષા સહિતના અન્ય વાહનો દોડાવવામા આવી રહ્યા છે.જેને પરિણામે અકસ્માતોની સંખ્યામા નિરંતર વધારો થઈ રહ્યો છે આ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લગાવવા માટે તેમજ બીઆરટીએસની વિવિધ રૂટો ઉપર દોડાવવામા આવતી બસોમાં ખિસ્સાકાતરૂ ગેંગ અને મોબાઈલની ચીલઝડપ કરતી ગેંગ સક્રિય હોવાના કારણે બસમા મુસાફરી કરી રહેલા મુસાફરોને નુકસાન સહન કરવાની નોબત આવી પડતી હોય છે.આ પરિસ્થિતિમાંથી મુસાફરોને સલામત બનાવવા માટે બીઆરટીએસની તમામ ૨૫૦ બસોમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામા આવશે.આ કેમેરા ડ્રાઈવર સીટની પાછળના ભાગમા હશે જેને લઈને બસની અંદર તેમજ બહાર પણ ચાલતી દરેક ગતિવિધી ઉપર કેમેરાની મદદથી દેખરેખ રાખવામા આવશે.ઉપરાંત આ કેમેરાના ફુટેજ ઈન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઠળ શહેર પોલીસને પણ કમાન્ડ કંટ્રોલ રૂમની મદદથી મોકલી આપવામા આવશે.