(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના અડાજણ સ્ટાર બજાર નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પુરપાટ ઝડપે દોડતી બીઆરટીએસ બસના ચાલકે આધેડને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમણે સિવિલ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
શહેરના અડાજણ ધોબીનો ખાંચો સ્ટાર બજાર પાછળ રહેતા ગુણવંતભાઈ બચુભાઈ રાઠોડ(૫૦) મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. મંગળવારે બપોરે તેઓ અડાજણ સ્ટાર બજાર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે તેઓ બીઆરટીએસ કોરીડોરમાંથી રસ્તો ક્રોસ કરતા હતા. દરમિયાન પુરપાટ ઝડપે દોડતી બીઆરટીએસ બસના ડ્રાઇવરે તેમને અડફેટમાં લઈ લીધા હતા. બસની અડફેટમાં આવેલા ગુણવંતભાઈને માથાના ભાગે તેમજ જમણા પગના ભાગે ગંભીર ઈજા થતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ તેમને દાખલ કરાયા છે. ગંભીર ઈજાને પગલે ગુણવંતભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અડાજણ પોલીસે બીઆરટીએસ બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.